'સફેદ જર્સીને અલવિદા કહું છું, તેની સાથે જોડાયેલી યાદોને નહીં', મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ કેમ લીધી?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. શમીએ 6 નવેમ્બરની રાત્રે એક વીડિયો જાહેર કરીને પોતાની નિવૃત્તિની ઘોષણા કરી હતી.
આ સાથે જ તેમણે આ ક્રિકેટ સફરમાં સાથ આપનારા તમામ લોકોનો આભાર પણ માન્યો હતો.
મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ 'ઍક્સ' પર લખ્યું હતું, "સફેદ જર્સીને અલવિદા કહી રહ્યો છું, પરંતુ તેની સાથે જોડાયેલી યાદોને ક્યારેય નહીં."
શમીએ વધુમાં ઉમેર્યું હતું, "જ્યારે પહેલી વાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે ફક્ત એક જ સ્વપ્ન હતું—પોતાના દેશ માટે કંઈક કરી બતાવવાનું. ત્યારબાદ દરેક વિકેટ, દરેક સંઘર્ષ, દરેક ઈજા અને દરેક વખતે કરેલી વાપસીએ મને કંઈક ને કંઈક શીખવ્યું."
'ટેસ્ટ ક્રિકેટ મારી જિંદગીનો મહત્ત્વનો ભાગ રહ્યો છે'
પોતાની ભાવુક પોસ્ટમાં શમીએ આગળ લખ્યું હતું, "ટેસ્ટ ક્રિકેટ મારા માટે ફક્ત એક ફૉર્મેટ નથી, પણ મારી જિંદગીનો એક ખૂબ જ મહત્ત્વનો ભાગ રહ્યો છે. આજે ભારે મન અને અસંખ્ય યાદો સાથે મેં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે."
તેમણે તમામ સાથી ખેલાડીઓ, કોચ, પરિવારના સભ્યો અને એ કરોડો ભારતીયોનો આભાર માન્યો હતો, જેઓ સારા અને મુશ્કેલ સમયમાં તેમની સાથે ઊભા રહ્યા અને વિશ્વાસ જાળવી રાખ્યો.
તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને ક્રિકેટ ઍસોસિએશન ઑફ બંગાળનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શમીએ જણાવ્યું હતું, "તેમણે મારી પ્રતિભા પર ભરોસો મૂક્યો, મને આગળ વધવાની તકો આપી અને મારી ક્રિકેટ કારકિર્દીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તમારો સાથ અને વિશ્વાસ હંમેશાં મારા માટે ખાસ રહેશે. મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં મારો છેલ્લો બૉલ ભલે પહેલાં જ ફેંકાઈ ચૂક્યો હોય, પણ ભારતનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ હંમેશાં મારા દિલમાં જીવંત રહેશે."

ઇમેજ સ્રોત, Getty Images
64 ટેસ્ટમાં લીધી 229 વિકેટ
મોહમ્મદ શમીએ ભારત માટે 64 ટેસ્ટમૅચ રમી છે અને આ દરમિયાન 229 વિકેટ પોતાના નામે કરી છે.
36 વર્ષીય શમી 2025 ચૅમ્પિયન્સ ટ્રૉફી પછીથી ભારતીય ટીમથી બહાર છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ વ્હાઇટ બૉલ (મર્યાદિત ઓવરો માટેનું) ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.
રાયડુ અને કાર્તિકની પ્રતિક્રિયા
પૂર્વ ક્રિકેટર અંબાતી રાયડુએ મોહમ્મદ શમીની નિવૃત્તિ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે "શમી ખૂબ સફળ રહ્યા છે અને તેમની ક્રિકેટ કારકિર્દીની સફર પણ મહાન રહી છે. જે બૉલરોથી બૅટ્સમૅનો ડરતા હોય તેવાં નામોમાં શમી શામેલ છે, તેમની નિવૃત્તિ દુઃખદ છે."
પૂર્વ ક્રિકેટર મુરલી કાર્તિકે પણ શમીની નિવૃત્તિ વિશે વાત કરતાં કહ્યું હતું કે, તેઓ ઘણા નવા બૉલરો માટે રોલ મૉડલ રહ્યા છે.
યુપી, બંગાળ ટીમમાં સ્થાન ન મળ્યું

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીના એક અહેવાલ અનુસાર, મોહમ્મદ શમીનો જન્મ 3 સપ્ટેમ્બર, 1990ના રોજ ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લાના સાદાસપુર ગામમાં થયો હતો. શમી પાંચ બાળકોમાં સૌથી નાના છે. પિતા તૌસીફ અલી ખેડૂત હતા. જ્યારે તેઓ નાના હતા ત્યારે તેમણે ફાસ્ટ બૉલર બનવાનું સપનું પણ જોયું હતું. પરંતુ, પરિવારની આર્થિક પરિસ્થિતિ વધુ સારી ન હોવાથી તેમણે ખેતીમાં ઝંપલાવ્યું.
શમીને યુપીની અંડર-19 ટીમમાં જગ્યા ન મળી. તેથી મોહમ્મદ શમી બંગાળ ગયા અને કોલકાતાની ડૅલહાઉસી ઍથ્લેટિક ક્લબમાં થોડો સમય ક્રિકેટ રમ્યા.
તેમને પછી મોહન બાગાન ક્રિકેટ ક્લબ તરફથી રમવાની તક મળી. તે પ્રસંગે શમીએ એકવાર ઈડન ગાર્ડન્સમાં ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન સૌરવ ગાંગુલી સામે બૉલિંગ કરી હતી.
જ્યારે શમીના બે બૉલ બાઉન્સ થયા ત્યારે ગાંગુલીએ પોતાના બૅટ વડે પીચને મારવાનું શરૂ કર્યું અને વિચાર્યું કે પીચમાં જ કંઈક ગરબડ છે.
તે પછી પણ જેમ જેમ શમીના બૉલ બાઉન્સર આવ્યા, ગાંગુલી એક બાજુએ બેટિંગ કરતા રહ્યા અને પછી આખરે તેમના વિશે વધુ જાણકારી પૂછવા લાગ્યા. શમીએ તેમને બાદમાં તમામ વાત કહી.
બાદમાં તેમણે ગાંગુલીને સમજાવ્યું કે, તેઓ પશ્ચિમ બંગાળની રણજી ટીમમાં જગ્યા નથી બનાવી શક્યા. એ પછી શમીની કરિયર જ બદલાઈ ગઈ.
ગાંગુલીની ભલામણ પર, શમીને 2010-11 રણજી ટ્રૉફીમાં પશ્ચિમ બંગાળ માટે રમવાની તક મળી.
ત્યાર બાદ શમીએ 2012-13ની રણજી ટ્રૉફી શ્રેણીમાં 28 વિકેટ લીધી હતી. રણજી ટ્રૉફીમાં શમીના પ્રદર્શનથી તેમને ભારતીય ટીમમાં રમવાની તક મળી હતી.
વેસ્ટ ઇન્ડિઝે 2013માં ભારતનો પ્રવાસ કર્યો હતો. શમીએ તે શ્રેણીમાં ટેસ્ટ ડૅબ્યૂ કર્યું હતું.
રિવર્સ સ્વિંગ, ઇન-સ્વિંગ અને કટર વડે વેસ્ટ ઇન્ડિઝના બૅટ્સમૅનોને મુશ્કેલીમાં મૂકી દેનારા શમીએ તેમની પ્રથમ ટેસ્ટમાં 9 વિકેટો લીધી હતી. તેમણે બે ટેસ્ટમાં કુલ 11 વિકેટ લીધી હતી.
મોહમ્મદ શમીની ટેસ્ટ ક્રિકેટમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ

ઇમેજ સ્રોત, Getty Images
ક્રિકઇન્ફો અનુસાર, 2013માં વેસ્ટ ઇન્ડીઝ સામે કોલકાતામાં રમાયેલી પોતાની પ્રથમ ડૅબ્યૂ ટેસ્ટમૅચમાં જ શમીએ રિવર્સ સ્વિંગનો જાદુ બતાવીને નવ વિકેટ ઝડપી હતી.
પડકારજનક પરિસ્થિતિઓમાં પ્રદર્શન કરવાની તેમની ક્ષમતાએ તેમને વિદેશની ધરતી પર પણ તેમને ખાસ કરીને મૂલ્યવાન બનાવ્યા છે.
દક્ષિણ આફ્રિકા એ સ્થળોમાંનું એક હતું જ્યાં શમીએ તેનું યાદગાર પ્રદર્શન કર્યું હતું.
ભારતના 2018ના પ્રવાસ દરમિયાન, તેણે જૉહાનિસબર્ગ ટેસ્ટની બીજી ઇનિંગમાં 28 રન આપીને પાંચ વિકેટ લઈને ટીમને વિજય અપાવ્યો હતો.
આગામી પ્રવાસ પર, તેણે સૅન્ચુરિયન ખાતેની પ્રથમ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી અને ભારતે બીજી યાદગાર જીત નોંધાવી હતી.
શમીની ભારત માટે છેલ્લી ટેસ્ટ માટે રેડ-બૉલ મૅચ 2023માં વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ફાઇનલ હતી.
શમીએ ભારત માટે 64 ટેસ્ટ રમી અને 229 વિકેટ લીધી.
ભારતે તેણે રમેલી 64 ટેસ્ટમાંથી 31 જીતી અને 13 ડ્રૉ થઈ છે. તેણે જ્યારે મૅચ રમી હોય ત્યારે હોમ ગ્રાઉન્ડ પર ભારત ક્યારેય સિરીઝ હાર્યું નથી.
માર્ચ 2025માં ચૅમ્પિયન્સ ટ્રૉફી ફાઇનલ પછી શમી કોઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યા નથી.
નિવૃત્તિ જાહેર કરતાં સોશિયલ મીડિયા પર તેમણે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
15 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની પોસ્ટ શૅર કરતાં ભારતીય ફાસ્ટ બૉલર મોહમ્મદ શમીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
સફેદ જર્સીને અલવિદા કહેતા શમીએ ઍક્સ પર લખ્યું કે, 'જ્યારે પહેલી વાર ભારતની ટેસ્ટ જર્સી પહેરી હતી, ત્યારે માત્ર એક જ સપનું હતું - પોતાના દેશ માટે કંઈક કરી બતાવવાનું.'
પોતાના લાંબા અને સંઘર્ષપૂર્ણ કૅરિયરને યાદ કરતાં તેમણે જણાવ્યું કે દરેક વિકેટ, સંઘર્ષ, ઈજા અને શાનદાર વાપસીએ તેમને જીવનમાં ઘણું શીખવ્યું છે.
આ સફરમાં સાથ આપનાર સાથી ખેલાડીઓ, કોચ, પરિવાર અને કરોડો ભારતીયોનો આભાર માનતા શમીએ કહ્યું કે, જેમણે સારા અને ખરાબ બંને સમયમાં તેમના પર ભરોસો જાળવી રાખ્યો હતો.
"આ સાથે તેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ક્રિકેટ ઍસોસિએશન ઑફ બંગાળ (CAB)નો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો છે, જેમણે તેમની પ્રતિભા પર વિશ્વાસ મૂકીને આગળ વધવાની તકો પૂરી પાડી હતી.
પોતાના નિવેદનના અંતે શમીએ ભાવુક થઈને લખ્યું કે, મેદાન પર તેમના દ્વારા છેલ્લી વખત ટેસ્ટ બૉલિંગ તો થઈ ચૂકી છે, પરંતુ ભારત માટે રમવાનો ગર્વ હંમેશાં તેમના હૃદયમાં જીવંત રહેશે.
ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પર ઘરેલુ હિંસાનો આરોપ
આઈપીએલ ટુર્નામેન્ટમાં રમતી વખતે શમીના અંગત જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થઈ હતી.
જ્યારે શમી કોલકાતા નાઇટ રાઇડર્સ સાથે હતા ત્યારે તેમની મુલાકાત હસન જહાં સાથે થઈ હતી, જે ટીમનાં ચીયરલીડર હતાં. બાદમાં બંને પ્રેમમાં પડ્યાં.
તેમણે બંનેએ 2014માં લગ્ન કર્યાં હતાં અને તેમને એક બાળક પણ છે. પરંતુ શમીનું લગ્ન જીવન સરળ રીતે ચાલ્યું ન હતું. પત્ની જહાં અને શમી વચ્ચે ઝઘડો થયો હતો. જહાં, જેમણે શમી સામે ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી,
પત્નીની ફરિયાદ બાદ ઘરેલુ હિંસાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
તેમણે 2018માં તેના પર મૅચ ફિક્સિંગનો પણ આરોપ લગાવ્યો હતો અને તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.
બીસીસીઆઈએ આ ફરિયાદની તપાસ માટે એક વિશેષ સમિતિની રચના કરી હતી. તેઓએ તેમને તેમની કૉન્ટ્રૅક્ટ સૂચિમાંથી કાઢી નાખ્યા હતા. શમી બીસીસીઆઈની 'કરપ્શન ઇન્કવાયરી કમિટી' સમક્ષ હાજર થયા હતા અને તેમણે તેના પર લાગેલા આરોપોનો ખુલાસો કર્યો હતો.
બીસીસીઆઈ દ્વારા રચાયેલી સમિતિએ તારણ કાઢ્યું હતું કે, જહાંના આરોપમાં કોઈ સત્ય નથી. આ સાથે શમીને ફરીથી કૉન્ટ્રૅક્ટ સૂચિમાં લેવામાં આવ્યા હતા.
એટલું જ નહીં શમીએ તેમની પત્ની પર પણ આરોપ લગાવ્યો હતો. તેમણે ફરિયાદ કરી હતી કે તેમની પત્ની જહાં પહેલેથી જ પરિણીત છે અને તેમણે બાળકોનું અસ્તિત્વ છુપાવ્યું છે. પતિ-પત્ની બંને એકબીજાં પર આરોપ લગાવતા હોવાથી ઘણો વિવાદ થયો હતો.
સોશિયલ મીડિયા પર શમીના વિવાદો

ઇમેજ સ્રોત, Getty Images
2016માં શમીએ તેમની પત્ની સાથેનો એક ફોટો શૅર કર્યો હતો, જેમાં પત્નીએ સ્લીવલેસ ડ્રેસ પહેર્યો હતો.
બીબીસીના આ અહેવાલ મુજબ, કેટલાક ટ્રૉલ્સે તેમની પત્નીને હિજાબ પહેરવાની સલાહ આપીને શમીને ટાર્ગેટ કર્યો હતો, જેનો શમીએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
શમીએ જવાબ આપ્યો કે ટ્રૉલ્સે "અંદર નજર કરવાની" જરૂર છે.
"મારું બાળક અને મારી પત્ની મારા જીવનસાથી છે. મને બરાબર ખબર છે કે તેમના માટે શું કરવું અને શું ન કરવું. બધાએ પોતાની અંદર જોવાની જરૂર છે કે આપણે કેટલા સારા છીએ," તેમણે ટ્વિટ કર્યું હતું.
સાથી ક્રિકેટર મોહમ્મદ કૈફ સહિત અન્ય વપરાશકર્તાઓએ પણ શમીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર "શરમજનક ટિપ્પણીઓ" પોસ્ટ કરવા બદલ લોકોની ટીકા કરી છે.
2021ની પાકિસ્તાન સામેની મૅચ બાદ શું થયું હતું?
2021ના T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતની હાર બાદ શમીને સોશિયલ મીડિયા પર નિશાન બનાવી 'ગદ્દાર' કહેવામાં આવ્યા હતા.
આ સમયે ક્રિકેટ જગત અને તત્કાલીન કૅપ્ટન વિરાટ કોહલી તેમની પડખે ઊભા રહ્યા હતા.
પાકિસ્તાનના અગ્રણી અંગ્રેજી અખબાર 'ડૉને' લખ્યું છે કે પાકિસ્તાન સામે કારમી હાર બાદ ભારતીય ટીમના એકમાત્ર મુસ્લિમ ખેલાડીને નિશાન બનાવવામાં આવ્યા હતા.
અખબારે લખ્યું હતું કે, ભારતની હાર બાદ મુસ્લિમો વિરુદ્ધ હિંસાની ઘણી ઘટનાઓ બની છે.
જ્યારે ભારતીય કૅપ્ટન વિરાટ કોહલીએ મૅચ પછીની પ્રેસ કૉન્ફરન્સમાં પોતે કહ્યું હતું કે પાકિસ્તાને શાનદાર રમત રમી છે. ડૉને લખ્યું હતું કે શમીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સેંકડો સંદેશા મોકલવામાં આવ્યા હતા જેમાં તેમને દેશદ્રોહી કહેવામાં આવ્યા અને ટીમ ઇન્ડિયામાંથી તેમને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.
આ આંતરિક ખેંચતાણ અને અવગણના વચ્ચે જ શમીએ નવેમ્બર 2026માં ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી દીધી.
જોકે, તેઓ મર્યાદિત ઓવરોની મૅચ, ડૉમેસ્ટિક ક્રિકેટ અને IPL રમવાનું ચાલુ રાખશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























