તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
ઇન્દિરા ગાંધીએ મૃત્યુ પહેલાં પરિવારને શું વાત કરી હતી? સોનિયા ગાંધીની જુબાની
કૉંગ્રેસ સંસદીય દળનાં અધ્યક્ષ સોનિયા ગાંધીએ 1975માં દેશમાં લાગેલી ઇમર્જન્સી, ઇન્દિરા અને રાજીવ ગાંધીની હત્યા અને બાબરી મસ્જિદ તોડવાની ઘટનાને લઈને પોતાની વાત મૂકી છે.
તેમણે ઇમર્જન્સીના નિર્ણયમાં પૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને તેમના પુત્ર સંજય ગાંધીની ભૂમિકા પર પણ ચર્ચા કરી છે.
સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, ઇમર્જન્સી લાગુ કરવા માટે માત્ર સંજય ગાંધી જવાબદાર નહોતા, પરંતુ ઇન્દિરા ગાંધી પર તેમના કેટલાક વરિષ્ઠ સહયોગીઓનું પણ દબાણ હતું.
અંગ્રેજી અખબારો 'ધ હિંદુ' અને 'ધ ગાર્ડિયન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ આ વાતો તેમના પુસ્તક 'બિલૉન્ગિંગ: એ જર્ની ઑફ લવ'ના લૉન્ચ પહેલાં કહી હતી.
આ દરમિયાન તેમણે પૂર્વ વડા પ્રધા રાજીવ ગાંધીના ઇમર્જન્સી પ્રત્યેના વિરોધ અને પરિવારની અંદર આ મુદ્દે ઉપજેલા તણાવનો પણ ઉલ્લેખ કર્યો.
'સંજયને કાબૂમાં રાખવામાં આવ્યા હોત તો...'
ઇમર્જન્સી દરમિયાન સંજય ગાંધીની ભૂમિકાના પ્રશ્ન પર સોનિયા ગાંધીએ કહ્યું કે, તેના માટે માત્ર સંજય ગાંધી જવાબદાર નહોતા.
તેમણે કહ્યું, "માત્ર સંજય ગાંધી જ તેના માટે જવાબદાર નહોતા, જોકે સામાન્ય લોકોની નજરમાં તેમનું નામ ઘણી વાર ઇમરજન્સી સાથે જોડાઈ જાય છે. ઇન્દિરા ગાંધી પર તેમના કેટલાક વરિષ્ઠ સાથીઓનું પણ ઘણું દબાણ હતું. મને લાગે છે કે તેમની આસપાસ રાજીવ જેવા બહુ ઓછા લોકો હતા, જેમની વિચારસરણી તેમનાથી અલગ હતી. મારું માનવું છે કે અંતે મારી સાસુએ પોતાની સમજથી પરિસ્થિતિને ઓળખી લીધી હતી અને તેને સુધારવા માટે પગલાં લીધાં હતાં."
સોનિયા ગાંધીના જણાવ્યા અનુસાર, "ઇમર્જન્સી લાગુ કરવાના નિર્ણય અંગે પરિવારના લોકો પણ એકમત નહોતા. રાજીવ ગાંધી તેના વિરોધમાં હતા. તેમણે પોતાની માતાને આગામી ચૂંટણી સુધી રાહ જોવાનું કહ્યું હતું. પરંતુ, તેમના નાના ભાઈ સંજય ગાંધી ઇમર્જન્સીના નિર્ણયના પક્ષમાં હતા. પરિવાર સાથેના એક રાત્રિભોજન દરમિયાન તેમણે કહ્યું હતું કે વિપક્ષ તેમની માતાને બરબાદ કરી દેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધ ગાર્ડિયનના જણાવ્યા અનુસાર, સોનિયા ગાંધી પોતાના પુસ્તકમાં લખે છે, "જો સંજયને કાબૂમાં રાખવામાં આવ્યા હોત, તો પછી થયેલા નુકસાનનો મોટો ભાગ અટકાવી શકાયો હોત."
સોનિયા ગાંધી યાદ કરે છે કે, આ કારણે તેમના પરિવારની અંદર પણ તણાવ વધી ગયો હતો.
તેમના જણાવ્યા અનુસાર, રાજીવ ગાંધીએ પોતાનાં માતા સાથે આ વિશે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઇન્દિરાએ તેમની વાત સાંભળી નહોતી.
સોનિયા ગાંધી કહે છે, "ઇમર્જન્સી દરમિયાન જે કંઈ થઈ રહ્યું હતું, તેની વાસ્તવિક ગંભીરતા મને તેના સમાપ્ત થયા પછી જ સમજાઈ. હા, લોકોના લોકશાહી અધિકારો પર રોક લગાવવામાં આવી હતી અને કોઈ કેસ વગર કસ્ટડીમાં રાખવાના વિરોધમાં મળતો કાનૂની અધિકાર પણ સમાપ્ત કરી દેવામાં આવ્યો હતો. પરંતુ, આ બધું બંધારણ હેઠળ કરવામાં આવ્યું હતું."
"તેમ છતાં, જ્યારે હું તે સમયને યાદ કરું છું અને ઇન્દિરા ગાંધીના દૃષ્ટિકોણથી પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરું છું, ત્યારે હું જોઉં છું કે તેઓ ઝડપથી બગડી રહેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યાં હતાં. તે સમયે હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં હતાં, સરકારી કચેરીઓ અને જાહેર પરિવહનનાં સાધનોને આગ ચાંપી દેવામાં આવી રહી હતી, મોટા પાયે સંગઠિત અશાંતિ ફેલાવવામાં આવી રહી હતી. એટલે સુધી કે સરકારી અધિકારીઓ અને સેનાને પણ આદેશોનું પાલન ન કરવાની અપીલ કરવામાં આવી રહી હતી."
ધ હિંદુને આપેલા ઇન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ એ પણ કહ્યું કે, ઇન્દિરા ગાંધી બાદમાં પરિસ્થિતિ સમજી ગયાં હતાં અને માર્ચ 1977માં ચૂંટણી યોજવાનો નિર્ણય કર્યો હતો.
તેમણે કહ્યું કે, બાદમાં ઇન્દિરા ગાંધીએ જાહેરમાં ઇમર્જન્સી દરમિયાન થયેલા અત્યાચારો અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને માફી પણ માગી હતી.
'ઇન્દિરા ગાંધીને પોતાના મૃત્યુનો અંદાજ પહેલેથી હતો'
સોનિયા ગાંધીએ 1984માં થયેલાં શીખ રમખાણો અને ઇન્દિરા ગાંધીની હત્યા સાથે જોડાયેલા પ્રશ્નોના પણ જવાબો આપ્યા.
વાસ્તવમાં, તે સમયે કેટલાક હથિયારબદ્ધ ઉગ્રવાદીઓ અમૃતસરના સુવર્ણ મંદિર ખાતે છુપાયેલા હતા. તેઓ અલગ શીખ દેશ બનાવવાની જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા હતા.
આ પરિસ્થિતિમાં ઇન્દિરા ગાંધીએ સુવર્ણ મંદિરમાં સૈન્ય કાર્યવાહી માટે મંજૂરી આપી. આ શીખ ધર્મનાં સૌથી પવિત્ર સ્થળોમાંનું એક છે. આ સૈન્ય કાર્યવાહીમાં શ્રદ્ધાળુઓની સાથે ઉગ્રવાદીઓ પણ માર્યા ગયા. ટૅન્કો અને ભારે હથિયારોના ઉપયોગથી મંદિરને પણ નુકસાન પહોંચ્યું.
સોનિયા ગાંધી કહે છે કે, જ્યારે તેમનાં સાસુને આ વિનાશના ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યા, ત્યારે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
ત્યારબાદ ઇન્દિરા ગાંધીને સતત ધમકીઓ મળવા લાગી. સોનિયા ગાંધી કહે છે, "તેમણે અમને જણાવ્યું હતું કે, જો તેમનું મૃત્યુ થઈ જાય તો અમારે શું કરવું. એટલે કે, તેમને તેનો અંદાજ હતો."
'ધ ગાર્ડિયન'ના જણાવ્યા અનુસાર, ઇન્દિરા ગાંધીએ રાહુલને કહ્યું હતું કે, તેમણે બહાદુર બનવું પડશે અને રડવાનું નથી.
તે જ ઉનાળામાં ઇન્દિરા ગાંધી પોતાનાં પૌત્ર-પૌત્રીઓને લઈને તેમના પૈતૃક ઘરે કાશ્મીર ગયાં હતાં. સોનિયા ગાંધીનું માનવું છે કે, તેઓ આમ કરીને તેમની પાસેથી "છેલ્લી વિદાય" લેવા માગતાં હતાં.
ઇન્દિરા ગાંધીએ પોતાના શીખ સુરક્ષાકર્મીઓને હટાવવાની સલાહ પણ સ્વીકારી નહોતી. બાદમાં આ જ નિર્ણય તેમના મૃત્યુનું કારણ બન્યો.
31 ઑક્ટોબર, 1984ના રોજ સોનિયા ગાંધી પોતાના ઘરમાં હતાં, ત્યારે તેમને ફટાકડા જેવો અવાજ સંભળાયો. તેઓ ઝડપથી બાજુમાં આવેલી કચેરી તરફ દોડી ગયાં.
ત્યાં તેમણે પોતાની સાસુ (ઇન્દિરા ગાંધી)ને જમીન પર લોહીલુહાણ હાલતમાં પડેલાં જોયાં. તેમના શરીર પર ગોળીઓનાં ઘણાં નિશાન હતાં. ઇન્દિરા ગાંધીના પોતાના શીખ સુરક્ષાકર્મીઓએ સુવર્ણ મંદિર પર થયેલી સૈન્ય કાર્યવાહીના બદલારૂપે તેમના પર ગોળીઓ ચલાવી હતી.
ત્યારબાદ જે બન્યું, તે આજે પણ સોનિયા ગાંધીની યાદોમાં જીવંત છે. ઇન્દિરા ગાંધીને કારમાં બેસાડ્યાં પછી સોનિયાએ તેમનું લોહીલુહાણ શરીર બથમાં સંભાળી રાખ્યું.
તેઓ તેમને ભાનમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં. કાર ઝડપથી હૉસ્પિટલ તરફ જઈ રહી હતી.
સોનિયા કહે છે, "ચારે તરફ માત્ર લોહી જ લોહી હતું અને મને સમજાયું કે, તેઓ મારા પ્રશ્નોના જવાબ આપી રહ્યાં નહોતાં. એવું લાગી રહ્યું હતું કે, તેઓ પહેલેથી જ આ દુનિયા છોડી ચૂક્યાં હતાં."
સોનિયાએ જણાવ્યું, "મને યાદ છે કે, ઘરથી હૉસ્પિટલ સુધીનો પ્રવાસ ખૂબ પીડાદાયક હતો. રસ્તા પર બહુ ટ્રાફિક નહોતો, પરંતુ રસ્તો ખૂબ ધીમો લાગતો હતો. મને એ પણ ખબર હતી કે, કારણ કે તેઓ કંઈ બોલી રહ્યાં નહોતાં, તેનો અર્થ બધું સમાપ્ત થઈ ચૂક્યું હતું."
સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીના મૃત્યુ અંગે શું કહ્યું?
સોનિયા ગાંધીએ ઇન્ટરવ્યૂમાં રાજીવ ગાંધીના મૃત્યુ વિશે પણ વાત કરી. તેઓ માને છે કે, રાજીવ ગાંધીની હત્યા સાથે જોડાયેલું સત્ય હજી સુધી સામે આવ્યું નથી.
તેમનું કહેવું છે કે, રાજીવ ગાંધીની હત્યાની તપાસ માટે રચાયેલા સૌથી તાજેતરના કમિશનને મોદી સરકારે બંધ કરી દીધું હતું. તેઓ દુઃખ વ્યક્ત કરતાં કહે છે, "મને નથી લાગતું કે, હવે આપણને ક્યારેય સત્યની જાણ થઈ શકશે."
ઇન્ટરવ્યૂમાં સોનિયા ગાંધીએ 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ તોડાવાની ઘટનાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે, ટીવી પર મસ્જિદ તોડાતી તસવીરો જોઈને તેઓ રડી પડ્યાં હતાં.
તેઓ કહે છે કે, એ જ સમયે તેમને સમજાઈ ગયું હતું કે, હવે તેમને "તે ધર્મનિરપેક્ષ દેશ માટે લાંબી લડાઈ લડવી પડશે, જેને મહાત્મા ગાંધી, નહેરુ અને તેમના સાથીઓએ બનાવવાનો પ્રયાસ કર્યો હતો."
તેઓ એ પણ માને છે કે, 'ભાજપ અને તેની કટ્ટર હિંદુત્વ'ની રાજનીતિના વધારામાં તેમની પોતાની પાર્ટીની ભૂલોનો પણ થોડો ફાળો રહ્યો છે.
સોનિયા કહે છે, "મને લાગે છે કે, ઘણા મામલાઓમાં અમે ખૂબ બેદરકાર રહ્યાં. અમારો અભિગમ એવો હતો કે, જે થઈ રહ્યું છે, તેને થવા દો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન