વિદ્યાર્થીઓએ 20 કરોડ રૂપિયા લૂંટ્યા, ગાડી સળગાવી, પુરાવાનો નાશ કર્યા, તો કઈ રીતે પકડાયા?

પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જાતે જ બૅન્ક-લૂંટની યોજના ઘડી હતી, તેમને લાગ્યું હતું કે તેઓ ક્યારેય નહીં પકડાય. જોકે, પોલીસે લગભગ દોઢ વર્ષ પછી તેમને શોધી કાઢ્યા.

આ કહાણી ગયા વર્ષે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના લાસબેલા જિલ્લાના ઓથલ વિસ્તારમાં થયેલી બૅન્ક લૂંટની છે.

પોલીસના જણાવ્યા મુજબ, હથિયારધારી માણસો 20 કરોડ 20 લાખ પાકિસ્તાની રૂપિયા લઈને ભાગી ગયા હતા. આ કોઈ સામાન્ય લૂંટ નહોતી. લૂંટારાઓએ પોતે ન પકડાય એ માટે યોજના ઘડી હતી.

સુરક્ષા દળોનું યુનિફોર્મ પહેરીને, તે કોઈ લેવડદેવડની તપાસના બહાને બૅન્કમાં પ્રવેશ્યા હતા.

લસબેલાના એસએસપી નજીબુલ્લાહ પંદ્રાનીના જણાવ્યા અનુસાર, તપાસ દરમિયાન મુખ્ય આરોપીના બૅન્ક ખાતામાંથી એક મહત્ત્વપૂર્ણ સંકેત મળ્યો હતો.

તેમણે કહ્યું, "લૂંટ પહેલાં તેમના ખાતામાં હજારો રૂપિયાના વ્યવહારો થયા હતા, પરંતુ ઘટના પછી આ રકમ કરોડો રૂપિયા સુધી પહોંચી ગઈ."

તપાસમાં સામેલ એક અધિકારીએ નામ ન આપવાની શરતે બીબીસી ઉર્દૂને જણાવ્યું હતું કે આરોપીઓમાંથી એક અગાઉ બૅન્કમાં કામ કરતો હતો. તેથી, તેને ખબર હતી કે રોકડ ક્યાં રખાય છે અને મહત્તમ રકમ સુધી કેવી રીતે પહોંચી શકાય છે.

આ ઘટના બાદ, ઓથલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ યાર મોહમ્મદે આરોપીનો પીછો કર્યો. જોકે, ગોળીબારમાં તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા અને તેમણે એક આંખની દૃષ્ટિ ગુમાવી દીધી હતી.

લગભગ દોઢ વર્ષ જૂની ઘટના

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, "આરોપીઓએ માત્ર સમગ્ર ગુનાની યોજના જ નહોતી બનાવી, પરંતુ પાછળથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહનને પણ બાળી નાખ્યું હતું, જેથી બધા પુરાવાનો સંપૂર્ણપણે નાશ કરી શકાય."

ઓથલમાં એક પત્રકારપરિષદ દરમિયાન, લાસબેલાના એસએસપીએ જણાવ્યું હતું કે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બાકીના આરોપીઓની ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુ છે.

ઓથલમાં આ બૅન્ક લૂંટ 28 ફેબ્રુઆરી 2025ના રોજ થઈ હતી.

બૅન્ક મૅનેજર ફલક શેરની ફરિયાદ પર નોંધાયેલી એફઆઇઆર મુજબ, સુરક્ષા દળોના ગણવેશ પહેરીને આવેલા છ હથિયારબંધ માણસો મુખ્ય દરવાજા મારફતે એક કારમાં બૅન્કમાં પ્રવેશ્યા હતા.

ફરિયાદ મુજબ, "ઑપરેશન મૅનેજર જહાંગીરે ફોન પર જણાવ્યું હતું કે બૅન્કમાં દાખલ થતાં જ આરોપીઓએ પૂછ્યું કે મૅનેજર ક્યાં છે, કારણકે તેઓ એક લેવડદેવડની તપાસ કરવા માટે આવ્યા હતા."

મૅનેજરના જણાવ્યા મુજબ, "જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે આરોપીઓએ વિરોધ કરવા બદલ પોલીસકર્મી નવાઝ અલી અને મોહમ્મદ દાઉદને રાઇફલના બટ વડે મારીને ઈજાગ્રસ્ત કર્યા. તેમણે પોલીસકર્મીઓ પાસેથી એક જી3 રાઇફલ પણ ઝૂંટવી લીધી હતી."

ફલક શેરે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, "ઑપરેશન મૅનેજરે જણાવ્યું હતું કે આરોપીએ તેમના સહિત તમામ કર્મચારીઓને બંધક બનાવ્યા હતા."

એફઆઇઆર મુજબ, આરોપીઓએ બૅન્કમાં મુકાયેલી 20.20 કરોડ રૂપિયાની રોકડ, છ બોરીમાં પૅક કરી અને તેને કારની ટ્રંકમાં મૂકી. ત્યાર બાદ તેમણે બૅન્ક કર્મચારીઓને કેશ વૉલ્ટમાં બંધ કરીને ફરાર થઈ ગયા.

પોલીસ સાથે અથડામણ

એ સમયે, યાર મોહમ્મદ ઓથલમાં સ્ટેશન હાઉસ ઑફિસર તરીકે પોસ્ટેડ હતા.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે સવારે 9થી 9:30ની વચ્ચે તેમને ઓથલની નૅશનલ બૅન્કમાં લૂંટની માહિતી મળી. જ્યારે તેઓ પોલીસ ટીમ સાથે પહોંચ્યા ત્યારે આરોપીઓ ત્યાંથી નીકળી ચૂક્યા હતા.

પ્રાથમિક માહિતી પ્રમાણે આરોપીઓ જૂની મૉડલની કારમાં આરસીડી હાઇવે તરફ ગયા હતા.

યાર મોહમ્મદના જણાવ્યા મુજબ, પાછળથી ખબર પડી કે વાહન બલોચ ગોથ તરફ ગયું હતું.

તેમણે કહ્યું કે કારનો પીછો કરાયો હતો, "જ્યારે અમે તેમની નજીક પહોંચ્યા, ત્યારે આરોપીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. મને બે ગોળી વાગી, એક પગમાં અને બીજી આંખ પાસે."

યાર મોહમ્મદના જણાવ્યા મુજબ, ઘાયલ થયા પછી, આરોપીઓ પહાડો તરફ ભાગી ગયા અને તેમના વાહનને આગ ચાંપી દીધી.

આરોપીઓએ કારને આગ કેમ ચાંપી?

તપાસ ટીમ સાથે સંકળાયેલા એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે આરોપીઓને ખબર હતી કે કાર પોલીસને તેમના સુધી પહોંચવામાં મદદ કરી શકે છે.

અધિકારીના જણાવ્યા મુજબ, વાહનમાંથી ફિંગરપ્રિન્ટ્સ અને અન્ય ફોરેન્સિક પુરાવા પ્રાપ્ત થઈ શક્યા હોત. આ સિવાય આરોપી વાહનને પહાડી વિસ્તારમાં પણ લઈ જઈ શક્યા ન હોત.

"જો કાર પાછળ છૂટી ગઈ હોત તો પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધી હોત. આમ, તેમણે ફિંગરપ્રિન્ટ્સ સહિત તમામ પુરાવાનો નાશ કરવા માટે તેને બાળી નાખી."

અધિકારીએ જણાવ્યું કે ઘટનામાં વપરાયેલાં બે હથિયારો પણ વાહન સાથે બળી ગયાં હતાં.

તેમના મતે, "આરોપીઓએ શરૂઆતથી જ આવી યોજના બનાવી હતી, જેનો હેતુ ઘટનાને સામાન્ય લૂંટ કરતાં અલગ દેખાડવાનો અને પોલીસને ગેરમાર્ગે દોરવાનો હતો."

એસએસપી નજીબુલ્લાહ પંદ્રાનીના જણાવ્યા અનુસાર, "લૂંટમાં સામેલ પાંચ લોકો લાસબેલા યુનિવર્સિટી ઑફ મરીન સાયન્સના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હતા."

તેમણે કહ્યું કે મુખ્ય આરોપી, જેની હવે ધરપકડ કરવામાં આવી છે, તે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, બાકીના કેટલાક આરોપીઓ હજુ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકોએ તેમનો અભ્યાસ પૂર્ણ કરી લીધો છે. આરોપીઓ 25થી 26 વર્ષની વચ્ચેના છે.

પોલીસનો દાવો છે કે, "મુખ્ય આરોપી આ ગુનાનો માસ્ટરમાઇન્ડ છે. તેણે તેના સાથીઓ સાથે મળીને આ ગુનાની યોજના બનાવી અને તેને અંજામ આપ્યો."

તપાસ અધિકારીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં સામેલ એક આરોપી અગાઉ તુર્બતમાં એક બૅન્કમાં કામ કરતો હતો.

તેમણે કહ્યું કે આ કારણે તેમને બૅન્કની કામગીરી અને રોકડ ક્યાં રાખવામાં આવે છે તે વિશે જાણકારી હતી.

આ માહિતીના આધારે, આરોપીઓએ અગાઉથી એક યોજના બનાવી અને બૅન્કમાં રાખેલા મોટી રકમ સુધી પહોંચવામાં સફળ રહ્યા.

કેવી રીતે ખૂલ્યું રહસ્ય?

તપાસ અધિકારીના જણાવ્યા મુજબ, આરોપીઓ કોઈ પણ પ્રતિકાર વિના બૅન્કમાં પ્રવેશ મેળવવા માંગતા હતા. આ કરવા માટે, તેમણે સુરક્ષા દળના યુનિફોર્મનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું અને તેના માટે ઓનલાઇન ઑર્ડર કર્યો.

કાપડ ખરીદવા અને યુનિફોર્મ બનાવડાવવાને બદલે, આરોપીએ એક કંપની પાસેથી ઓનલાઇન ગણવેશ મંગાવ્યો હતો.

પોલીસનું કહેવું છે કે આ યુનિફોર્મ ડિસેમ્બર 2024માં મંગાવવામાં આવ્યા હતા, જ્યારે લૂંટ ફેબ્રુઆરી 2025માં થઈ હતી.

એસએસપી પંદ્રાનીના જણાવ્યા અનુસાર, આ ઘટનાની તપાસ પોલીસ માટે એક મોટો પડકાર હતો.

તેમણે કહ્યું કે તપાસની શરૂઆતમાં, બાતમીદારો પાસેથી માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને બાદમાં આધુનિક તકનીકી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેમના મતે, મુખ્ય આરોપીના બૅન્કખાતાએ તપાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઘટના પહેલાં, ખાતામાં નાના વ્યવહારો થતા હતા, પરંતુ પછીથી, રકમ કરોડો રૂપિયા સુધી પહોંચી ગઈ.

એસએસપીના જણાવ્યા અનુસાર, છેલ્લા દોઢ વર્ષમાં તેમના ખાતામાં 17 કરોડ રૂપિયાના વ્યવહારો મળી આવ્યા હતા.

એક જ ખાતામાંથી આટલા મોટા વ્યવહારના અચાનક થવાથી પોલીસને શંકા ગઈ અને તપાસ શરૂ કરવામાં આવી. ત્યાર બાદ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી. તેની માહિતીના આધારે, અન્ય બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી.

અન્ય આરોપીઓના મોબાઇલ ફોનનું ફોરેન્સિક વિશ્લેષણ પણ કરવામાં આવ્યું છે. આ ઉપકરણોને વધુ તપાસ માટે પંજાબ ફોરેન્સિક લૅબમાં મોકલવામાં આવ્યાં છે.

એસએસપીના જણાવ્યા અનુસાર, લૂંટની રકમમાંથી આશરે ₹2.75 કરોડની લેવડદેવડ એક સ્થાનિક વેપારીના ખાતામાં પણ મળી આવી હતી. વેપારીએ આ વાત સ્વીકારી છે અને મૅજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે.

કેસની તપાસ કરી રહેલા અધિકારીનું કહેવું છે કે લૂંટાયેલા પૈસાનો અમુક ભાગ વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પણ રોકવામાં આવ્યો હતો.

આ નાણાંનો ઉપયોગ ચાર કરોડ રૂપિયાથી વધુ કિંમતનાં વાહનો અને અન્ય વસ્તુઓ ખરીદવા માટે કરવામાં આવ્યો હતો. આમાંથી કેટલાંક નાણાં વસૂલ પ્રાપ્ત કરાયાં છે, જ્યારે બાકીની રકમ અને સંપત્તિઓ મેળવવાના પ્રયાસો ચાલુ છે.

એસએસપી નજીબુલ્લાહ પંદ્રાનીના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓને 14 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા, બાદમાં તેમને ન્યાયિક કસ્ટડીમાં જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

પકડાયેલા આરોપીઓનો સંપર્ક થઈ શક્યો ન હોવાથી, તેમના પર લગાવવામાં આવેલા આરોપો અંગે તેમનો પક્ષ મેળવી શકાયો નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન