મુહૂર્ત ટ્રેડિંગ : દિવાળીના દિવસે રજા હોવા છતાં માત્ર એક કલાક માટે શૅરબજાર કેમ ખૂલે છે?

    • લેેખક, દુષ્યંતકુમાર
    • પદ, બીબીસી હિંદી માટે
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 7 મિનિટ

દિવાળીના તહેવારના દિવસે સામાન્ય કારોબાર માટે શૅરબજાર બંધ રહે છે. તેમ છતાં, માર્કેટ થોડા સમય માટે ખાસ ખૂલે છે અને લોકો શૅરની ખરીદી તથા વેચાણ કરે છે. આ ખાસ સત્રને 'મુહૂર્ત ટ્રેડિંગ' કહેવામાં આવે છે.

તહેવારના દિવસે થતો આ કારોબાર માત્ર શૅરનું ખરીદ-વેચાણ નથી. ઘણા લોકોની એવી માન્યતા છે કે દિવાળીમાં કારોબારનો આ સમય અત્યંત 'શુભ' હોય છે. તેથી આ ગાળામાં નવી શરૂઆત કરવાની, પૂજા કરવાની અને નવા વેપારી વર્ષનું સ્વાગત કરવાની વર્ષો જૂની પરંપરા રહી છે.

'ડી. આર. ચોક્સી ફિનસર્વ'ના મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોક્સીએ જણાવ્યું હતું કે, આની કહાણી શુભ મુહૂર્તમાં કંઈક નવું ખરીદવાની પરંપરા સાથે જોડાયેલી છે.

તેમના જણાવ્યા મુજબ, દિવાળી અને ધનતેરસ પર લોકો કોઈ ને કોઈ નવી વસ્તુઓ ખરીદીને ઘરે લાવે છે. કેટલાક લોકો ચોપડા ખરીદે છે, તો કેટલાક કિંમતી ધાતુથી બનેલી ચીજવસ્તુઓ ખરીદે છે.

શૅરબજાર સાથે જોડાયેલા લોકોએ આ જ વિચારને રોકાણ સાથે જોડી લીધો હતો. તેઓ તેમની માન્યતા પ્રમાણે, 'શુભ સમય'માં શૅર ખરીદીને નવા વર્ષમાં પોતાના કારોબાર અને રોકાણની શરૂઆત કરવા લાગ્યા હતા.

હવે, મુહૂર્ત ટ્રેડિંગ શું છે, શૅરબજારમાં આ પરંપરા ક્યારે અને કેવી રીતે શરૂ થઈ હતી? જૂના સમયમાં (ઓપન આઉટક્રાય સિસ્ટમમાં) લોકો મુહૂર્ત ટ્રેડિંગ કેવી રીતે કરતા હતા? શું આજે પણ આ માત્ર એક રીત-રિવાજ છે કે આ દરમિયાન વાસ્તવિક મોટા સોદા પણ થાય છે?

શૅરબજારમાં પહેલાં મુહૂર્ત ટ્રેડિંગ કેવી રીતે થતું?

પહેલાના સમયમાં દિવાળીની તૈયારી માત્ર ઘરો અને દુકાનોમાં નહોતી થતી, પરંતુ શૅરબજારના બ્રોકરોનાં કાર્યાલયોમાં (ઑફિસોમાં) પણ તહેવારની તૈયારીઓ કરવામાં આવતી હતી.

'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના એક અહેવાલ મુજબ, ધનતેરસ પર બ્રોકરો પોતાની ઑફિસ સાફ કરતા હતા અને નવા ચોપડા (એકાઉન્ટિંગ રજિસ્ટર) ખરીદતા હતા.

તે પછી લક્ષ્મી પૂજન અને 'ચોપડા પૂજન' એટલે કે વહીખાતાઓની પૂજા કરવામાં આવતી હતી. આવનારા નવા વર્ષમાં સારો કારોબાર થાય તેવી અપેક્ષા અને શુભકામના સાથે આ પૂજા થતી હતી.

અહેવાલમાં 'દલાલ ઍન્ડ બ્રોચા સિક્યૉરિટીઝ'ના અનુભવી બ્રોકર પ્રિયકાંત દલાલના અનુભવો પણ નોંધવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, તેઓ 1955થી આવાં આયોજનોમાં સામેલ થતા રહ્યા હતા.

તે સમયમાં ઘણા બ્રોકરોની ઑફિસ બીએસઈ (બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ)ની આસપાસ જ આવેલી હતી. પૂજા પછી એકબીજાની ઑફિસે જઈને શુભકામનાઓ આપવી સરળ બનતી હતી. દિવાળીના દિવસે બ્રોકરો મુહૂર્ત ટ્રેડિંગ માટે બીએસઈના મોટા હૉલમાં એકઠા થતા હતા.

પ્રિયકાંત દલાલનો અનુભવ તે યુગની પરંપરા દર્શાવે છે. જોકે, 1955થી જ એક્સચેન્જમાં ઔપચારિક મુહૂર્ત વેપાર શરૂ થયો હતો તે અંગેનો કોઈ ચોક્કસ દસ્તાવેજી પુરાવો મળતો નથી.

બીએસઈમાં 1957થી ચાલી આવે છે પરંપરા

બીએસઈના જણાવ્યા અનુસાર, દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા 1957થી ચાલી આવે છે.

બીએસઈના 2024-25ના વાર્ષિક અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મુહૂર્ત ટ્રેડિંગની સત્તાવાર પરંપરા 1957માં શરૂ થઈ હતી.

રોકાણકાર અને વેપારી હર્ષ વોરાએ પણ 26 ઑક્ટોબર, 2021ના રોજ 'ટિકરટેપ' પર પ્રકાશિત થયેલા તેમના લેખમાં નોંધ્યું હતું કે બીએસઈ પર તેની શરૂઆત 1957માં થઈ હતી.

હર્ષ વોરાના જણાવ્યા મુજબ, આ ટ્રેડિંગને નવા વ્યાવસાયિક વર્ષની શરૂઆત સાથે જોડવામાં આવે છે. તેમના મતે, ઘણા રોકાણકારો નવા વર્ષનું સ્વાગત કરવા માટે આ ખાસ સત્રમાં સંકેતરૂપે થોડા શૅર ખરીદે છે.

જોકે, બીએસઈના વાર્ષિક અહેવાલમાં પ્રથમ સત્ર કોણે શરૂ કર્યું હતું, તેમાં પહેલો સોદો કોણે કર્યો હતો અથવા કઈ કંપનીના શૅર ખરીદવામાં આવ્યા હતા તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

દિવાળીના દિવસે નાના સોદાથી શરૂઆત

'ડી. આર. ચોક્સી ફિનસર્વ'ના મૅનેજિંગ ડિરેક્ટર દેવેન ચોક્સીના જણાવ્યા અનુસાર, "મુહૂર્ત ટ્રેડિંગ પાછળનો વિચાર એ હતો કે કોઈ પણ વ્યક્તિ જે કામ સાથે જોડાયેલી છે, તે શુભ મુહૂર્તમાં એ જ કામની નવી શરૂઆત કરે."

શૅરબજાર સાથે જોડાયેલા લોકો માટે આ શરૂઆત થોડા શૅર ખરીદીને કે કોઈ નાનો સોદો કરીને થઈ શકતી હતી.

દેવેન ચોક્સીએ ઉમેર્યું હતું કે, જૂના સમયમાં લોકો આ દિવસે નાના અને પ્રતીકરૂપ સોદા કરતા હતા. તેનો મુખ્ય હેતુ મોટો નફો કમાવવાનો નહિ, પરંતુ શુભ દિવસે બજારમાં નવી શરૂઆત કરવાનો હતો.

આસ્થા અને પૂજાની પરંપરા

વરિષ્ઠ પત્રકાર આલોક જોશી પણ મુહૂર્ત ટ્રેડિંગને બજાર સાથે જોડાયેલા લોકોની આસ્થા અને પૂજાની પરંપરા સાથે જોડે છે.

તેમણે જણાવ્યું હતું કે, લક્ષ્મીજીને ધનની દેવી માનવામાં આવે છે અને બજારમાં રોકાણ કરનારાઓ માટે લક્ષ્મીજી અને ગણેશજી આરાધ્યદેવ છે.

તેમના મતે, દિવાળી પર સામાન્ય કારોબાર બંધ રહેતો હતો. એવા સમયમાં લક્ષ્મીપૂજનના ગાળામાં થોડો કારોબાર કરીને પોતાના આરાધ્યની પૂજા કરવાની પરંપરા શરૂ થઈ હતી.

શુભ સમય દરમિયાન શૅર ખરીદવા એ રોકાણકારોની માન્યતા અને બજાર પરંપરાનો એક ભાગ છે, પરંતુ આ સમય દરમિયાન કરવામાં આવેલા વેપારથી નફો થશે જ તેની કોઈ ખાતરી (ગૅરંટી) હોતી નથી.

જ્યારે ચિઠ્ઠીઓ પર લખવામાં આવતા હતા શૅરના ઑર્ડર

આજે મોબાઇલ ફોન કે કમ્પ્યૂટર પર થોડી જ પળોમાં શૅર ખરીદી અને વેચી શકાય છે, પરંતુ મુહૂર્ત ટ્રેડિંગના પ્રારંભિક દિવસોમાં રોકાણ કરવું એટલું સરળ નહોતું.

દેવેન ચોક્સીએ જણાવ્યું હતું કે, તે સમયે શૅરના ખરીદ-વેચાણના ઑર્ડર ચિઠ્ઠીઓ પર લખવામાં આવતા હતા.

લોકો માટે આજની જેમ દરરોજ રોકાણ કરવું સરળ નહોતું, તેથી મુહૂર્ત ટ્રેડિંગ વધુ મહત્ત્વપૂર્ણ બન્યું હતું. લોકો આ ખાસ પ્રસંગે થોડો વ્યવસાય કરતા હતા અને શુભ શરૂઆતની પરંપરાનું પાલન કરતા હતા.

સમય જતાં, શૅર ખરીદવા અને વેચવાની પદ્ધતિ બદલાઈ ગઈ અને કમ્પ્યૂટર દ્વારા વેપાર શરૂ થયો હતો.

એનએસઈ અને ઇલેક્ટ્રોનિક કારોબારની શરૂઆત

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)માં શૅરનો ઇલેક્ટ્રોનિક કારોબાર 3 નવેમ્બર, 1994ની સાંજે દિવાળી પૂજા દરમિયાન શરૂ થયો હતો.

તેથી, એનએસઈની સ્થાપના અને ત્યાં શૅર ટ્રેડિંગની શરૂઆતને અલગથી સમજવી મહત્ત્વપૂર્ણ છે.

ઘણી જગ્યાએ એવું લખવામાં આવ્યું છે કે એનએસઈમાં મુહૂર્ત ટ્રેડિંગ 1992માં શરૂ થયું હતું, પરંતુ એનએસઈના રેકૉર્ડ મુજબ, ત્યાં શૅરનું ટ્રેડિંગ 3 નવેમ્બર, 1994ના રોજ શરૂ થયું હતું.

શું મુહૂર્ત ટ્રેડિંગ હંમેશાં સાંજે થાય છે?

મુહૂર્ત ટ્રેડિંગ દર વર્ષે એક જ સમયે થતું નથી. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (બીએસઈ) અને નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) પોતાના સંબંધિત પરિપત્રો (સર્ક્યુલર) દ્વારા દર વર્ષે તારીખો અને સમયની સત્તાવાર જાહેરાત કરે છે.

આ વર્ષે 8 નવેમ્બરના રોજ મુખ્ય સ્ટૉક ટ્રેડિંગનો સમય બપોરે 2:20 થી 3:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ અગાઉ બપોરે 2:05 વાગ્યે 'પ્રી-ઓપન સત્ર' શરૂ થશે.

પ્રી-ઓપન સત્ર દરમિયાન પ્રારંભિક ખરીદ-વેચાણના ઑર્ડર લેવામાં આવે છે અને તેના આધારે શૅરની પ્રારંભિક કિંમત (ઓપનિંગ પ્રાઇસ) નક્કી કરવામાં આવે છે.

વિગતવાર સમયપત્રક અને સમયનો તફાવત

વર્ષ 2024માં મુહૂર્ત ટ્રેડિંગ 1 નવેમ્બરના રોજ સાંજે 6 થી 7 વાગ્યા સુધી યોજાયું હતું, જે અગાઉ પ્રી-ઓપન સત્ર સાંજે 5:45 થી 6 વાગ્યા સુધી યોજાયું હતું.

જ્યારે 21 ઑક્ટોબર, 2025ના રોજ મુખ્ય ટ્રેડિંગ સત્ર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી યોજાયું હતું અને બપોરે 1:30 થી 1:45 વાગ્યા સુધી પ્રી-ઓપન સત્ર રાખવામાં આવ્યું હતું.

આ આંકડા દર્શાવે છે કે મુહૂર્ત ટ્રેડિંગ હંમેશાં સાંજના સમયે જ થાય તે જરૂરી નથી, તેનો સમય દર વર્ષે બદલાઈ શકે છે.

સામાન્ય રીતે મુખ્ય મુહૂર્ત ટ્રેડિંગ સત્ર દરમિયાન જ શૅરનું ખરીદ-વેચાણ થાય છે. આ ઉપરાંત, પ્રી-ઓપન સત્ર, મોટા સોદા (બ્લૉક ડીલ) અને કેટલાક ખાસ પ્રકારના શૅર માટે અલગ સમય પણ નક્કી કરવામાં આવી શકે છે.

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન માત્ર શૅરના સોદા જ થાય છે?

મુહૂર્ત ટ્રેડિંગ માત્ર શૅર સુધી જ મર્યાદિત નથી. વર્ષ 2025માં શૅરની સાથે ફ્યુચર્સ અને ઑપ્શન્સ ટ્રેડિંગ માટે પણ મુહૂર્ત ટ્રેડિંગનું એક અલગ સત્ર રાખવામાં આવ્યું હતું.

વધુમાં, કૉમોડિટી ટ્રેડિંગ માટે પણ એક અલગ સત્ર યોજાયું હતું, જ્યાં સોના, ચાંદી અને અન્ય કૉમોડિટીઝના ભાવ સંબંધિત કરારોનું (કૉન્ટ્રેક્ટ) ખરીદ-વેચાણ કરવામાં આવે છે.

વર્ષ 2025માં આ તમામ વિભાગો માટે મુખ્ય ટ્રેડિંગ સત્ર બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ચાલ્યું હતું.

શૅરબજાર અને કૉમોડિટી ટ્રેડિંગ વચ્ચેનો તફાવત

કોઈ પણ ધાતુ સંબંધિત કરાર (કૉન્ટ્રેક્ટ) ખરીદવો અને તે ધાતુનો વેપાર કરતી કંપનીના શૅર ખરીદવા—એ બંને અલગ-અલગ પ્રકારનાં રોકાણ છે.

એનએસઈ (NSE) પર સોના, ચાંદી, તાંબા, ઍલ્યુમિનિયમ અને ઝિંક જેવી કૉમોડિટીઝ સંબંધિત કરારોમાં વેપાર થાય છે. આ ઉપરાંત, મલ્ટી કૉમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પણ દિવાળી પર મુહૂર્ત ટ્રેડિંગનું આયોજન કરે છે.

શૅરમાં પણ દરેક કંપની માટે ટ્રેડિંગની પ્રક્રિયા એકસરખી હોતી નથી. મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન વેપાર માટે ઉપલબ્ધ શૅર શૅરબજારના પ્રસ્થાપિત નિયમોને આધીન હોય છે.

જ્યારે ફિલ્મી સિતારાઓએ વગાડ્યો બીએસઈનો બેલ

બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના (બીએસઈ) મુહૂર્ત ટ્રેડિંગમાં ફિલ્મી હસ્તીઓને પણ વિશેષ અતિથિ તરીકે બોલાવવાની વર્ષો જૂની પરંપરા રહી છે.

વર્ષ 2015માં, અભિનેત્રી ઈશા કોપ્પીકરે બીએસઈના અધિકારીઓ સાથે ઘંટ (રિંગિંગ બેલ) વગાડીને મુહૂર્ત ટ્રેડિંગની સત્તાવાર શરૂઆત કરી હતી.

ત્યારબાદ 2019માં, મૌની રૉય અને રાજકુમાર રાવ આ ખાસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. બીએસઈ ઇન્સ્ટિટ્યૂટના રેકૉર્ડ મુજબ, લક્ષ્મીપૂજન પછી મૌની રૉયે તે વર્ષના મુહૂર્ત ટ્રેડિંગનો પ્રારંભ કરાવવા માટે ઘંટ વગાડ્યો હતો.

તે પછી, વર્ષ 2022માં બોલિવૂડ અભિનેતા અજય દેવગણે પોતાની ટીમ અને બીએસઈના વરિષ્ઠ અધિકારીઓ સાથે દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ શરૂ કરવા માટે ઘંટ વગાડ્યો હતો. આ બાબતનો ઉલ્લેખ બીએસઈના 2022-23ના વાર્ષિક અહેવાલમાં પણ કરવામાં આવ્યો છે.

સત્રના પ્રારંભે વગાડવામાં આવતી આ ઘંટડી તે દિવસના ચોક્કસ ટ્રેડિંગ સત્રની શરૂઆતનો સંકેત આપે છે. આ ઘંટ વાગ્યા બાદ નિયત સમયે શૅરનું ખરીદ-વેચાણ શરૂ થાય છે.

મુહૂર્ત ટ્રેડિંગનો સોદો માત્ર રીતિ-રિવાજ નથી

પ્રારંભિક સમયમાં મુહૂર્ત ટ્રેડિંગમાં નાના અને પ્રતીકરૂપ સોદાઓનો જ સમાવેશ થતો હતો. જોકે, પરંપરાને માન આપવા માટે કરવામાં આવતા આ વેપાર પણ સંપૂર્ણપણે વાસ્તવિક જ હોય છે.

મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન શૅર ખરીદ્યા કે વેચ્યા પછી પણ તમામ વ્યવહારો પ્રસ્થાપિત બજાર નિયમો અનુસાર જ પૂર્ણ (સેટલ) કરવામાં આવે છે. આનો અર્થ એ થાય છે કે શૅર માટેની ચૂકવણી અને સોદાની પ્રક્રિયા સામાન્ય ટ્રેડિંગ દિવસની જેમ જ પૂર્ણ થાય છે.

માર્કેટ ઍક્સપર્ટ હર્ષ વોરા પોતાના લેખમાં નોંધે છે કે મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન પણ રોકાણ અને વ્યવસાયના મૂળભૂત નિયમો બદલાતા નથી.

સાવધાની અને મૂળભૂત નિયમો

તહેવારનો દિવસ કોઈ કંપનીની વ્યાવસાયિક સ્થિતિ બદલી નાખતો નથી અને ન તો તે આપોઆપ કોઈ શૅર ખરીદવાનું કારણ બની શકે છે.

તેથી, મુહૂર્ત ટ્રેડિંગમાં રોકાણ કરતી વખતે પણ સામાન્ય ટ્રેડિંગ દિવસોની જેમ જ જરૂરી સાવધાની રાખવી જોઈએ.

સમય સાથે ટ્રેડિંગ પદ્ધતિઓ બદલાઈ ગઈ છે, પરંતુ મુહૂર્ત ટ્રેડિંગ પાછળ શુભ શરૂઆતનો ખ્યાલ એ જ રહ્યો છે. આ જ કારણ છે કે દિવાળીના સમયે યોજાતું આ ટૂંકું ટ્રેડિંગ સત્ર આજના સમયમાં પણ ઘણા રોકાણકારો માટે એક ખાસ પ્રસંગ બની રહે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન