'સીતાનો પિતા, રામનો સગો' -રામાયણની વિવિધ આવૃત્તિઓમાં રાવણ વિશે શું કહેવાયું છે?

    • લેેખક, સિરાજ
    • પદ, બીબીસી તમિલ
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 8 મિનિટ

રામાયણ — વર્ષો દરમિયાન આ કથા કેટલીય વાર અને કેટકેટલાં જુદાં-જુદાં સ્વરૂપોમાં કહેવાઈ હશે, એની ગણતરી કરવી શક્ય નથી.

સદીઓથી કહેવાતી આવેલી આ કથા ભારતભરમાં મોટા ભાગના લોકો માટે જાણીતી છે. ધર્મની સીમાઓથી પર રહીને પણ તે લોકો સુધી પહોંચી છે. વર્ષોથી રામાયણ પર આધારિત અનેક ફિલ્મો બની છે. આમ છતાં, રામાયણ પર આધારિત દરેક નવી ફિલ્મ પડદા પર આવે ત્યારે તેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હોય છે.

હવે 5 નવેમ્બરે રણબીર કપૂર, સાઈ પલ્લવી અને યશ અભિનીત મોટા બજેટની ફિલ્મ 'રામાયણ: ભાગ 1' રજૂ થઈ રહી છે. અગાઉની રામાયણ પર આધારિત ફિલ્મોની સરખામણીએ આ ફિલ્મમાં કંઈક અલગ જોવા મળશે એવું જણાય છે.

સામાન્ય રીતે પડદા પર રાવણની કથા સીતાના અપહરણ પછી બનતી ઘટનાઓના સંદર્ભમાં જ રજૂ કરવામાં આવે છે. જોકે, ફિલ્મના ટ્રેલર પરથી એવું લાગે છે કે, તેમાં રાવણની ઉત્પત્તિ અને તેના પ્રારંભિક જીવન વિશે કંઈક વધુ વિગતવાર વાત કરવામાં આવશે.

આ ફિલ્મ વાલ્મીકિ રામાયણ પર આધારિત છે. રામાયણની પરંપરા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ થાઇલૅન્ડ, મલેશિયા અને લાઓસ સહિતના અનેક દેશોમાં પણ પ્રચલિત છે.

જોકે, આ દેશોમાં કહેવાતી રામાયણની આવૃત્તિઓ વાલ્મીકિ રામાયણથી કંઈક અંશે જુદી પડે છે. તેમાંની ઘણી આવૃત્તિઓમાં રાવણને પરંપરાગત અર્થમાં 'ખલનાયક' કે 'રાક્ષસ' તરીકે દર્શાવવામાં આવતો નથી.

કવિ, ભાષાવિજ્ઞાની અને લોકસંસ્કૃતિના અભ્યાસી એ. કે. રામાનુજન તેમના 1987ના નિબંધ 'થ્રી હન્ડ્રેડ રામાયણાઝ'માં લખે છે:

"સેંકડો રામાયણો છે. તે વિવિધ ભાષાઓમાં પ્રચલિત છે અને મહાકાવ્યો, પુરાણો, નાટકો, કઠપૂતળીના ખેલ, શિલ્પો તથા અન્ય અનેક સ્વરૂપોમાં જોવા મળે છે."

થાઇલૅન્ડનું 'રામકિયન'

વાલ્મીકિ રામાયણના આધારે રચાયેલું 'રામકિયન' થાઇલૅન્ડનું એક મહત્ત્વપૂર્ણ સાહિત્યિક સર્જન ગણાય છે. તેનો ઇતિહાસ અનેક સદીઓ જૂનો છે.

થાઇલૅન્ડ ફાઉન્ડેશન જણાવે છે કે, "થાઇલૅન્ડમાં ઠેર-ઠેર રામકિયનનો પ્રભાવ જોવા મળે છે. રાજાઓનાં નામ, પ્રાંતો, શેરીઓ અને મહત્ત્વનાં સ્થળોનાં નામોમાં પણ તેની અસર પ્રતિબિંબિત થાય છે. રામાયણ પહેલી વાર થાઇલૅન્ડમાં ક્યારે પહોંચ્યું હતું, તેના કોઈ ચોક્કસ દસ્તાવેજી પુરાવા નથી. શક્ય છે કે, ભારતીય વેપારીઓ તેને અહીં લઈ આવ્યા હોય."

રામકિયન મહાકાવ્યમાં રાવણને 'થોત્સાકન' તરીકે ઓળખવામાં આવે છે.

કથા અનુસાર, "થોત્સાકન (રાવણ) એક શક્તિશાળી રાક્ષસરાજ હતો. તેનું શરીર લીલા રંગનું હતું. તેને 10 માથાં અને 20 હાથ હતા. તેણે પોતાનું હૃદય એક જાદુઈ પેટીમાં સંતાડી રાખ્યું હતું અને એ પેટી પોતાના ગુરુ, ઋષિ કોબુત્રને સોંપી હતી."

આ આવૃત્તિનું એક નોંધપાત્ર પાસું એ છે કે, 'રામકિયન'માં સીતાને થોત્સાકનનાં પુત્રી ગણાવવામાં આવે છે.

"નાંગ સીદા (સીતા)નો જન્મ થોત્સાકનનાં પુત્રી તરીકે થયો હતો. જોકે, જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી હતી કે, તે પોતાના પિતા માટે અમંગળ સાબિત થશે. પરિણામે, થોત્સાકને તેમને રાજ્યમાંથી હાંકી કાઢે છે."

આગળ જતાં, "થોત્સાકન સીતાનું અપહરણ કરે છે, પરંતુ તેને ખબર હોતી નથી કે, તે પોતાની જ પુત્રી છે. આ ઘટનાને પગલે 'ફ્રા રામ' (રામ) સાથે યુદ્ધ થાય છે. આ યુદ્ધમાં બંને પક્ષે ભારે ખુવારી થાય છે અને છેવટે થોત્સાકનનું મૃત્યુ થાય છે."

'રામકિયન'માં રાવણનું આ રીતે ચિત્રણ કરવામાં આવ્યું છે.

એ. કે. રામાનુજન પોતાના નિબંધમાં લખે છે: "રામકિયનમાં રાવણની ક્ષમતાઓ અને તેના જ્ઞાનની પ્રશંસા કરવામાં આવી છે. સીતાનું અપહરણ તેના પ્રેમની અભિવ્યક્તિ તરીકે જોવામાં આવે છે અને તેના પ્રત્યે સહાનુભૂતિ પણ દર્શાવવામાં આવે છે. એક સ્ત્રી માટે રાવણ પોતાના પરિવાર, રાજ્ય અને છેવટે પોતાના જીવનનું પણ બલિદાન આપે છે, એ વાત થાઇલૅન્ડના લોકોને સ્પર્શે છે."

મલેશિયાનું મહાકાવ્ય 'હિકાયત સેરી રામા'

મુખ્યત્વે મુસ્લિમ વસ્તી ધરાવતા મલેશિયામાં પ્રચલિત રામાયણની આવૃત્તિ 'હિકાયત સેરી રામા' પર ઇસ્લામનો પ્રભાવ જોવા મળે છે.

આ આવૃત્તિમાં રાવણને (મલય ભાષામાં મહારાજા રાવના અથવા રુવાના) 10 માથાં અને 20 હાથ ધરાવતો રાક્ષસ ગણાવવામાં આવ્યો છે. તે 4 રાજ્યો પર શાસન કરતો હતો. તેમાંથી એક પૃથ્વી પર, એક સ્વર્ગમાં, એક સમુદ્રમાં અને એક પાતાળમાં આવેલું હતું.

તેની કથાની શરૂઆત થાય છે, જ્યારે તેને વહાણ દ્વારા સિલોન (લંકાપુરી) ટાપુ પર લઈ જવામાં આવે છે. ત્યાં તે 12 વર્ષ સુધી ઊંધા માથે લટકીને તપસ્યા કરે છે.

તે તપસ્યા કરી રહ્યો હોય છે, ત્યારે પયગંબર આદમને સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલવામાં આવે છે. તેઓ રાવણને મળે છે. રાવણ વતી ઈશ્વર પાસે ચારેય રાજ્યો તેને સોંપવાની વિનંતી કરવા આદમ સંમત થાય છે. તેમની વિનંતી તરત જ સ્વીકારી લેવામાં આવે છે.

ત્યારબાદ રાવણ લગ્ન કરે છે અને તેને 3 પુત્રો થાય છે: ઇન્દ્રજિત, પાતાલ મહારાયણ અને ગંગા મહા-સુરી. તે પોતાના 3 પુત્રોને અનુક્રમે સ્વર્ગ, પાતાળ અને સમુદ્રનાં રાજ્યોની ગાદી સોંપે છે, જ્યારે લંકાપુરીનું રાજ્ય પોતાની પાસે રાખે છે.

જોકે, આ મહાકાવ્યમાં રામ સાથેના યુદ્ધના અંતે રાવણનું મૃત્યુ થતું નથી.

'હિકાયત સેરી રામા'માં કથાનું વર્ણન આ પ્રમાણે છે:

"યુદ્ધ દરમિયાન રામના બાણથી ઘવાઈને રાવણ જમીન પર પટકાય છે અને ફરી ઊભો થઈ શકતો નથી. ત્યારબાદ રામ તેની પાસે જાય છે અને તેના શરીરના ટુકડા કરી નાખે છે. આમ છતાં, રાવણનું મૃત્યુ થતું નથી. તેથી રામ તેને ત્યાં જ છોડીને અસંખ્ય સૈનિકો સાથે લંકાપુરીના કિલ્લામાં પ્રવેશે છે. ત્યાં દેવી સીતા નિવાસ કરતાં હોય છે, એ મહેલની સુંદરતા જોઈને તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે."

લાઓસનું 'ફ્રા લક ફ્રા લામ'

દક્ષિણ-પૂર્વ એશિયાના દેશ લાઓસમાં રાવણનું ચિત્રણ વાલ્મીકિ રામાયણના 10 માથાં ધરાવતા રાક્ષસરાજ તરીકે નહીં, પરંતુ બૌદ્ધ સાંસ્કૃતિક પરંપરાના સંદર્ભમાં કરવામાં આવ્યું છે.

આ આવૃત્તિમાં 'ફ્રા લક' એટલે લક્ષ્મણ, જે રામના નાના ભાઈ છે, જ્યારે 'ફ્રા લામ' એટલે રામ. અહીં રાવણને 'હપખાનાસુઆને' તરીકે ઓળખવામાં આવે છે.

1972માં પ્રકાશિત પુસ્તક 'ધ ફ્રા લક ફ્રા લામ' અનુસાર, રાવણને "સંપૂર્ણપણે રાક્ષસી સ્વરૂપના પાત્ર તરીકે નહીં, પરંતુ ફ્રા લામ અને ફ્રા લકના રાજવી સગા તરીકે દર્શાવવામાં આવ્યો છે."

અહીં પણ સીતાને રાવણનાં પુત્રી ગણાવવામાં આવ્યાં છે.

'ધ ફ્રા લક ફ્રા લામ'માં કથાનું વર્ણન આ પ્રમાણે છે:

"રાવણને ત્યાં સીતા નામની પુત્રીનો જન્મ થાય છે. રાવણના મહેલના જ્યોતિષી ભવિષ્યવાણી કરે છે કે, આ પુત્રી તેના પિતાના પતનનું કારણ બનશે. પરિણામે, સીતાને વનમાં મોકલી દેવામાં આવે છે. ત્યાં વનદેવતાઓ તેનું પાલનપોષણ કરે છે અને પછી એક ઋષિ તેનો ઉછેર કરે છે."

"સીતા પુખ્ત વયનાં થાય છે, ત્યારે ઋષિ જાહેરાત કરે છે કે, જે કોઈ પ્રાચીન ધનુષ્યને ઉપાડી શકશે, તેની સાથે પોતે સીતાનાં લગ્ન કરાવશે. સીતા પોતાનાં જ પુત્રી છે, એ વાતથી અજાણ રાવણ પણ આ સ્પર્ધામાં ભાગ લે છે, પરંતુ ધનુષ્ય ઉપાડવામાં નિષ્ફળ જાય છે. અંતે માત્ર ફ્રા લામ જ આ કાર્ય કરી શકે છે. આમ, સીતાનાં લગ્ન ફ્રા લામ સાથે થાય છે."

આ મહાકાવ્યમાં રાવણને સુંદર અને બુદ્ધિશાળી પુરુષ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તેને બૌદ્ધ દર્શનનું ઊંડું જ્ઞાન અને અપાર અલૌકિક શક્તિઓ ધરાવતો ગણાવવામાં આવ્યો છે.

ચીન અને જાપાનમાં પણ રામાયણને મળતી આવતી લોકકથાઓ પ્રચલિત છે.

દાખલા તરીકે, જાપાનની 'બોન્ટેનકોકુ' નામની એક લોકકથામાં મુખ્ય પાત્ર તામાવાકાને વાંસળી વગાડવામાં કુશળ દર્શાવવામાં આવ્યો છે. તે રાવણને મળતા આવતા પાત્ર રાજા પરામોન દ્વારા કેદ કરવામાં આવેલી હિમેગિમી નામની યુવતીને છોડાવે છે.

જોકે, આ કથામાં આ ઘટનાને પગલે કોઈ મોટું યુદ્ધ કે સંઘર્ષ થતો દર્શાવવામાં આવ્યો નથી.

તેના બદલે, રાજા જ્યારે શિકાર કરવા ગયો હોય છે, ત્યારે તામાવાકા પોતાની વાંસળીના સૂરથી રક્ષકોને મોહિત કરે છે અથવા તેમનું ધ્યાન બીજે દોરે છે અને યુવતીને છોડાવીને લઈ જાય છે.

'રાવણ - લંકાનો મહાનતમ રાજા'

જુદી-જુદી રામાયણોમાં ભલે રાવણના ચિત્રણમાં ભિન્નતા જોવા મળતી હોય, પરંતુ મોટા ભાગની રામાયણ પર આધારિત આવૃત્તિઓમાં એક વાત સમાન છે: રાવણ લંકા અથવા લંકાપુરી પર શાસન કરતો રાજા છે.

આધુનિક સમયમાં પણ શ્રીલંકા અને રાવણ વચ્ચેનો સંબંધ જળવાઈ રહ્યો છે.

'એન એક્સપ્લોરેશન ઑફ રાવણાઝ મેની ફેસિસ' નામના લેખમાં જણાવવામાં આવ્યું છે:

"શ્રીલંકામાં પણ વાલ્મીકિ રામાયણ અથવા કમ્બ રામાયણની આવૃત્તિ વધુ જાણીતી છે. જોકે, રાવણને શ્રીલંકાની ભૂમિ પર જન્મેલા અત્યાર સુધીના મહાનતમ પુત્ર તરીકે બિરદાવવામાં આવે છે. તેમને શ્રીલંકાના મહાનતમ રાજા તરીકે પૂજવામાં આવે છે."

શ્રીલંકાના પત્રકાર અને સંપાદક દુશાની નાનાયક્કારા કહે છે, "સિંહાલી લોકોનો એક વર્ગ રામાયણમાં દર્શાવ્યા મુજબ રાજા રાવણને દુષ્ટ વ્યક્તિ માનતો નથી. તેઓ માને છે કે, રાવણે શાસન કરવાની આધુનિક પદ્ધતિ દાખલ કરી હતી."

તેઓ વધુમાં કહે છે, "વિદેશી આક્રમણો દરમિયાન પોતાના દેશની આગવી ઓળખ જાળવનારા રાજા તરીકે પણ તેમને જોવામાં આવે છે. આજે પણ ભારતમાં દશેરાના તહેવાર દરમિયાન રાવણનાં પૂતળાં બાળવામાં આવે છે. જોકે, સિંહાલી લોકોનો એક વર્ગ રામને વિદેશી સત્તાના પ્રતિનિધિ તરીકે જુએ છે. બીજી તરફ, રાવણને સ્વદેશી સત્તા અને શ્રીલંકાના સ્વનિર્ણયના અધિકાર માટે લડનારા રાજા તરીકે જોવામાં આવે છે."

ભારતમાં રાવણની પૂજા

ભારતનાં અનેક મંદિરોમાં રાવણની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઇડામાં આવેલા બિસરખ ગામના લોકો દશેરાનો તહેવાર ઉજવતા નથી. તેઓ રાવણને પોતાના પૂર્વજ માનીને તેમની પૂજા કરે છે.

બીજી તરફ, તમિલનાડુમાં પણ રામની જેમ રાવણને આદરપૂર્વક યાદ કરવાની પરંપરા છે. જોકે, તમિલનાડુમાં રાવણને મહત્ત્વ આપવાનાં કારણો સાવ જુદાં છે.

દ્રવિડ ચળવળ સાથે સંકળાયેલા વિદ્વાન પુલવર કુઝન્ધાઈએ લખેલા પુસ્તક 'રાવણ કાવ્યમ્'માં રાવણને તમિલનાડુ પર શાસન કરનારા રાજા તરીકે વર્ણવવામાં આવ્યો છે. આ કૃતિમાં રાવણ નાયક છે, જ્યારે રામને તેના વિરોધી તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે: "રાવણે સીતાને આશ્વાસન આપતાં કહ્યું, 'ડરશો નહીં. તમારા પતિ આવશે, તો હું તેમને સદ્માર્ગે વાળવા સમજાવીશ અને તમને તેમની સાથે પાછી મોકલી આપીશ.' તેણે સીતાને પોતાની નાની બહેનની જેમ ગણીને તેમની સાથે સ્નેહભર્યું વર્તન કર્યું હતું."

ખાસ કરીને, રાવણના પતનને 'રાક્ષસી કે દુષ્ટ શક્તિના પરાજય' તરીકે નહીં, પરંતુ 'તમિલ લોકો માટેની એક મહાન કરુણાંતિકા' તરીકે રજૂ કરવામાં આવ્યું છે.

આ વિવાદાસ્પદ પુસ્તક પર તમિલનાડુ સરકારે 2 જૂન, 1948ના રોજ પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ 1972માં ઉઠાવી લેવામાં આવ્યો હતો.

લેખક સ્ટાલિન રાજાંગમ કહે છે કે, તમિલનાડુમાં રાવણને પ્રશંસાપાત્ર વ્યક્તિ તરીકે સ્થાપિત કરવામાં દ્રવિડ ચળવળે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

તેઓ કહે છે, "આમ છતાં, રાવણને રામના વિરોધી તરીકે સ્થાપિત કરવામાં આવ્યો હતો. બીજા શબ્દોમાં કહીએ તો, આ ચિત્રણમાં પરોક્ષ રીતે એ વાત સ્વીકારવામાં આવી હતી કે, રાવણ એક રાક્ષસ હતો. જોકે, દ્રવિડ ચળવળ શરૂ થઈ તે પહેલાં પણ તમિલનાડુમાં રાવણ બૌદ્ધ રાજા હોવા અંગે ચર્ચાઓ થતી હતી. પરંતુ પછીનાં વર્ષોમાં આ અર્થઘટનને ખાસ બળ મળ્યું નહીં."

તેઓ વધુમાં ઉમેરે છે, "1880ના દાયકામાં ચેન્નાઈ લૌકિક સંગમ દ્વારા પ્રકાશિત થતા 'તત્ત્વ વિવેચિની' સામયિકમાં પણ આ અંગે ઉલ્લેખો જોવા મળે છે."

રામાયણ સાથે સંકળાયેલાં વિવિધ મહાકાવ્યો અને તેની અલગ-અલગ આવૃત્તિઓમાં રાવણ આજે પણ સૌથી વધુ રસપ્રદ પાત્રોમાંનું એક છે.

'એન એક્સપ્લોરેશન ઑફ રાવણાઝ મેની ફેસિસ' લેખમાં સવાલ કરવામાં આવ્યો છે:

"રાવણ કોણ હતો? ઉત્તર ભારતમાં દર વર્ષે જેનું પૂતળું બાળવામાં આવે છે તેવો એક રાક્ષસ, શ્રીલંકામાં પૂજાતો એક આદરણીય રાજા અને તમિલનાડુમાં દ્રવિડ રાજકારણનું પ્રતીક. તો રાવણ ખરેખર કોણ હતો, એ અંગે શું આપણે કોઈ એક નિષ્કર્ષ પર પહોંચી શકીએ?"

આ સવાલનો એક સંભવિત જવાબ આનંદ નીલકંઠનના પુસ્તક 'અસુરા: ટેલ ઑફ ધ વાન્ક્વિશ્ડ'માં મળે છે. આ પુસ્તકમાં રાવણના દૃષ્ટિકોણથી રામાયણની કથા કહેવામાં આવી છે.

તેમાં લખવામાં આવ્યું છે:

"આપણાં મહાકાવ્યોમાં રાવણને 10 માથાં ધરાવતા માણસ તરીકે દર્શાવવામાં આવ્યો છે. તે એવી વ્યક્તિનું પ્રતીક છે, જેનો પોતાની અતૃપ્ત ઈચ્છાઓ પર કોઈ કાબૂ નહોતો, છતાં તે જીવનને પૂરેપૂરું માણવા અને તેના તમામ અનુભવો મેળવવા ઉત્સુક હતો."

બીબીસી તમિલ માટે શ્રીલંકાથી વિશેષ રિપોર્ટિંગઃ રંજન અરુણ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન