'પહેલાં વરસાદ ખેંચાયો, હવે માવઠું મુસીબત બન્યું,' ગુજરાતમાં આ જિલ્લામાં ખેડૂતો માટે 'કમોસમી વરસાદ બન્યો આફત'

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં આ વર્ષે અલ નીનોની અસરને લીધે ઘણા જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ છે. કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓને તો સરકારે 'દુષ્કાળગ્રસ્ત' પણ જાહેર કરી દીધા છે.

હવે આવા સમયે તાજેતરમાં પડેલા 'કમોસમી વરસાદ'એ ખેડૂતો માટે 'પડ્યા પર પાટુ' જેવી સ્થિતિ સર્જી છે.

દેવભૂમિ દ્વારકા, અમરેલી અને રાજકોટના કેટલાક પંથકોમાં પાછલા અમુક દિવસો દરમિયાન પડેલા 'કમોસમી વરસાદ'ને પગલે ખેડૂતોને ઓછા વરસાદવાળી આ સ્થિતિમાં જે પાક થયો હતો તેમાં પણ નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.

બીબીસી ગુજરાતીએ આ અંગે સમસ્યાગ્રસ્ત જિલ્લાના ખેડૂતો પાસેથી વિગતવાર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતમાં ક્યાં ક્યાં કમોસમી વરસાદે ખેડૂતોની 'મુસીબત વધારી'?

બીબીસી ગુજરાતીના રાજકોટસ્થિત સહયોગી પત્રકાર બિપિન ટંકારિયાએ આપેલી માહિતી પ્રમાણે, ધોરાજી પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની સમસ્યા વધારી છે.

શુક્રવાર- શનિવારે વરસેલા વરસાદને કારણે ઘણા ખેડૂતોનાં ખેતરોમાં તૈયાર થયેલો પાક પલળી ગયો છે.

કપાસ, મગફળી, સોયાબીન, એરંડા અને ડુંગળી જેવા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

તૈયાર પાક વરસાદમાં પલળી જતાં ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેવી સ્થિતિ પેદા થઈ છે.

રાજકોટના ધોરાજીના જિતુભાઈ નામના એક ખેડૂત માવઠાને કારણે થયેલા નુકસાનથી આક્રોશિત થઈ ગયા હતા, તેમણે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, "રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં પહેલાં વરસાદ ખેંચાયો હતો. તેમ છતાં, ખેડૂતોએ ગમે તેમ પાણીની ગોઠવણ કરીને પોતાનાં ખેતરોમાં પાક તૈયાર કર્યો હતો. પણ શુક્રવારે પડેલા માવઠાને કારણે આ પાક જમીનદોસ્ત થઈ ગયો છે, આખો પાક પલળીને સડી ગયો છે."

"પશુઓનો ચારો પણ નથી રહેવા દીધો. "દર વીઘે આના કારણે ખેડૂતને ઘણું નુકસાન થશે, જો સોયાબીનનો પાક હશે તો વીઘે આઠ-નવ હજાર રૂ.ની, મગફળી હશે તો વીઘે 18-20 હજાર રૂ. અને કપાસ હશે તો 16-17 હજાર રૂ.ની નુકસાની આવશે."

તેઓ કહે છે કે, "અમારી માગ છે કે ગુજરાતમાં પણ મહારાષ્ટ્રની માફક ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. "

દેવભૂમિ દ્વારકાના બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર જયદીપ લાખાણીએ જણાવ્યું હતું કે કંઈક આવી જ સ્થિતિ દેવભૂમિ દ્વારકાના અમુક પંથકોમાં પણ થઈ હતી.

દેવભૂમિ દ્વારકાના દુધિયા ગામના ખેડૂત પરેશ કાંબરિયા જણાવે છે કે, "આ વખતે અમારા દ્વારકા જિલ્લામાં ચોમાસામાં સાવ ઓછો વરસાદ પડ્યો હતો. તેમાં અમારો મગફળીનો પાક માત્ર ચારો બનીને રહી ગયો હતો, પરંતુ હવે મગફળીના પાકનો આ ચારો પણ કમોસમી વરસાદને કારણે પલળી થઈ ગયો છે. ખૂબ નુકસાની થઈ છે. તેમજ ભારે પવનને કારણે પતરા ઊડી ગયા અને ઘણા વીજથાંભલા પણ પડી ગયા છે. જેના કારણે, ખેડૂતો, પશુપાલકો અને માલધારીઓને મોટા પાયે નુકસાન થયું છે."

દેવભૂમિ દ્વારકાના રાજપરા ગામના એક ખેડૂત પબાભાઈ સુવાએ જણાવ્યું કે, "અહીં વરસાદને લીધે પશુઓ માટેનો ચારો પણ નષ્ટ થઈ ગયો છે. પવનની ગતિ, કરા અને વરસાદને કારણે આ નુકસાની થઈ છે. સરકારને અમે અપીલ કરીએ છીએ કે સર્વે પ્રમાણે યોગ્ય સહાય કરીને અમારાં પશુઓ સામે જોવામાં આવે."

અમરેલી જિલ્લાના બીબીસીના સહયોગી પત્રકાર ફારુક કાદરીએ આપેલી માહિતી અનુસાર, "અમરેલી જિલ્લામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોવા છતાં કુવા અને બોરમાંથી માંડમાંડ પાણી પાઈને તેમણે મગફળી (માંડવી)નો પાક બચાવ્યો હતો, પણ શુક્રવારે અચાનક સાંજે વાવાઝોડું અને પોણા બે ઇંચ જેટલો વરસાદ ત્રાટકવાથી ખેતરમાં બધું ખેદાનમેદાન થઈ ગયું છે."

"વરસાદ પડવાને કારણે મગફળીના પાથરા અને પશુઓ માટેનો ઘાસચારો સડી ગયો છે. જેનાથી મગફળી કાળી પડી ગઈ છે અને ડૅમેજ થવાને કારણે તેના ભાવ ઓછા મળે એવી ભીતિ છે. ખેડૂતોએ ચાર મહિનાની સખત મહેનત અને મુશ્કેલીઓ બાદ પાક તૈયાર કર્યો હતો, ત્યારે કુદરતી આફતના આ સમયે સરકારે રાહત પૅકેજ કે સહાયની જાહેરાત કરવી જોઈએ તેવી ખેડૂત દ્વારા માંગ કરવામાં આવી છે."

અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત બિપિનભાઈ સોજિત્રા કહે છે, "દોઢેક ઇંચ જેટલો વરસાદ પડ્યો એમાં અમારે ઢોરનો ચારો બગડી ગયો અને માંડવી કાળી પડી ગઈ. આમાં અમારે હવે શું કરવું? વરસાદમાં પાકના પાથરા પલળી ગયા, જે હવે મજૂર પાસેથી ભેગા કરાવ્યા છે. માંડવી કાળી પડવાને કારણે સામાન્ય રીતે મળતા ભાવમાં પ્રતિ મણ 100થી 150 રૂ.નો ઘટાડો થઈ જાય છે."

ગુજરાત સરકારે તાજેતરમાં જ દુષ્કાળગ્રસ્ત જિલ્લા માટે સહાય જાહેર કરેલી

ગુજરાત સરકારે થોડા દિવસ પહેલાં જ ચાર જિલ્લાઓમાં દુષ્કાળ જાહેર કર્યો હતો.

તેમાં સરકારે ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હેક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવાની વાત કરી હતી.

મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, "ભારત સરકારની દુષ્કાળ નિર્ધારણ માર્ગદર્શિકા 2016 અનુસાર, જરૂરી ઉચ્ચસ્તરીય બેઠકો યોજીને રાજ્ય સરકારે ચાર જિલ્લામાં દુષ્કાળ જાહેર કર્યો છે."

ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં રાહતદરે કલેક્ટરો મારફત લોકોને 1.21 કરોડ કિગ્રા ઘાસ આપી દીધું છે અને ત્રણ કરોડ કિગ્રા ઘાસ ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે સરકારે વધારાના ઘાસચારા માટે પણ આગોતરું આયોજન કર્યું છે.

ગુજરાત સરકારે કહ્યું છે કે દુષ્કાળ જાહેર થવાથી આ ચાર જિલ્લામાં ખેડૂતોને 8500 રૂપિયા પ્રતિ હેક્ટર, બે હેક્ટરની મર્યાદામાં ખેડૂતોને સહાય આપવામાં આવશે.

સરકારે જાહેરાત કરી છે કે પશુદીઠ રોજના 80 રૂપિયા આપવામાં આવશે અને તે બે મહિના સુધી ચૂકવવામાં આવશે. ત્યારબાદ પણ ક્યાંય પશુ રહેશે તો રાજ્ય સરકાર તેનો ખર્ચ ઉપાડશે.

દુષ્કાળગ્રસ્ત તાલુકામાં ગ્રામીણ લોકોને રોજગારી મળી રહે તે માટે 150 માનવદિન રોજગારી વીબી જીરામજી યોજના હેઠળ આપવામાં આવશે. તેનો અમલ પહેલી નવેમ્બરથી કરવામાં આવશે.

ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, "દુષ્કાળ જાહેર થયા સુધીના છ મહિના સુધી જાહેરાત અમલમાં રહે છે અને પશુપાલકો તથા ખેડૂતોને પ્રાથમિકતા આપવામાં આવે છે. અમે સંપૂર્ણ સંવેદનશીલતાથી તેમની પડખે ઊભા છીએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન