રામલીલા મેદાન રેલી: ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં શું શું થયું, ભાજપે પૂછ્યું- 'ક્યાં હતા દસ લાખ લોકો?'

પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને રવિવારે દિલ્હીના રામલીલા મેદાન ખાતે 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીનો કૉલ આપ્યો હતો, જેમાં વિપક્ષના ઘણા મોટા નેતાઓ સહિત સારી એવી સંખ્યામાં વિપક્ષના સમર્થકો એકઠા થયા હતા.

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર એક વીડિયોના માધ્યમથી રેલીમાં જોડાવા માટે અપીલ પણ કરી હતી.

રામલીલા મેદાન ખાતે આ રેલી એક સભામાં પરિવર્તિત થઈ ગઈ હતી અને વિપક્ષના નેતાઓ મંચ પરથી ભાજપ અને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સામે શાબ્દિક પ્રહાર કર્યા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનરને હઠાવવાની માગ અને એસઆઇઆરના વિરોધ માટે આ રેલીનો કૉલ અપાયો હતો.

નોંધનીય છે કે દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની રેલી માટે દસ લાખ લોકો રાજધાનીમાં પહોંચશે એવો દાવો કરવામાં આવ્યો હતો.

રાહુલ ગાંધીએ કહ્યું, 'લખી રાખજો જ્ઞાનેશકુમાર ચૂંટણી કમિશનરના પદેથી હઠશે અને જેલ જશે જ'

દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત રેલીમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "અમિત શાહ કહેતા હતા કે નરેન્દ્ર મોદી ક્યાંય નહીં જાય. હા એ સાચી વાત છે."

"નરેન્દ્ર મોદીને જવું હશે તો પણ અમે તેમને નહીં જવા દઈએ. અમિત શાહ, તમે યાદ રાખો કે જ્ઞાનેશકુમાર પછી તમારો વારો છે."

"તમે ભાગી નહીં શકો, તમારી સામે કાર્યવાહી થશે, થશે અને થશે જ."

"હું જે કહું છું એ સાચું સાબિત થાય છે. તમે લખી રાખજો કે જ્ઞાનેશકુમાર ચૂંટણી કમિશનરના પદેથી હઠશે અને જેલ જશે જ."

"તેમણે જે કામ કર્યું છે એ દેશદ્રોહ છે. જ્ઞાનેશકુમાર રાત્રે ઊંઘી નથી શકતા કારણ કે તેમણે દેશનના આત્માને મારવાનું કામ કર્યું છે."

"હકીકત તો એ છે મોદી કે અમિત શાહ પણ રાત્રે ઊંઘી નથી શકતા."

"અમારો ધર્મ કહે છે કે કોઈને નફરત નથી કરવાની. અમે મોહબ્બતની દુકાન ખોલીશું."

"અમે કોઈને મારીશું, કાપીશું નહીં. છેવાડાના માણસના અવાજની અમારે રક્ષા કરવાની છે."

"અમિત શાહ, મોદીએ આ દેશમાં નફરત ફેલાવી છે. દેશ કહે છે કે અમને નફરત નથી જોઈતી."

"દેશને પાટા પર લાવવા માટે સૌથી પહેલું કામ જ્ઞાનેશકુમારને હઠાવવાનું છે."

તેમણે કહ્યું હતું કે, "અમારા માટે મોદી, અમિત શાહ કે જ્ઞાનેશકુમાર દુશ્મન નથી. ભારતના દરેક નાગરિકનો અવાજ બુલંદ થાય એ જ મારો ધર્મ છે. અમે તેમને બંધારણને નષ્ટ નહીં કરવા દઈએ."

અખિલેશ યાદવે કહ્યું - 'જેમણે રામનું ધન ચોર્યું છે, એમનો નાશ તો થવાનો જ છે'

રામલીલા મેદાનમાં વિપક્ષની રેલીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ભાજપ અને ચૂંટણીપંચ પર આકરા પ્રહારો કર્યા હતા.

અખિલેશ યાદવે કહ્યું કે, "રામલીલા મેદાનમાં લોકોનું જનસમર્થન જોઈને લાગે છે કે આ મેદાન લોકશાહીની હલ્દીઘાટી બની ગયું છે. આ મેદાનથી ઇતિહાસ લખાયો છે. એ નક્કી છે કે જે લોકો ઉત્તર પ્રદેશથી સત્તામાં આવ્યા હતા એ ઉત્તર પ્રદેશથી જ વિદાય લેવાના છે. ઉત્તર પ્રદેશના લોકો એવી વિદાય કરશે કે ભાજપ ક્યારેય પાછો નહીં આવે."

"જેમણે રામનું ધન ચોર્યું છે, દાનચોરી કરી છે એમનો નાશ તો થવાનો જ છે, હવે સર્વનાશ થશે. જે લોકો વિશ્વગુરુની વાત કરતા હતા એ લોકો હવે મતદારોની હેરાફેરી કરે છે. તેમનાં ષડયંત્રો છતાં પણ ડબલ ઍન્જિનની ડબલ હાર થઈ છે."

તેમણે કહ્યું હતું કે, "આખો દેશ જાણે છે કે ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણી લૂંટી છે. અમે હાર માનવાવાળા નથી. અમે તેમની ચોરી પકડી લીધી છે. ખબર નથી કે ચૂંટણીપંચ કઈ ઊંઘની ગોળી લઈને ઊંઘી રહ્યું છે."

ઇન્ડિયા બ્લૉકની રેલીમાં ખડગેએ કહ્યું - 'જ્ઞાનેશકુમારને હટાવવા માટે લડતા રહીશું'

'વોટ બચાવો દેશ બચાવો રેલી'માં પહોંચેલા લોકોને સંબોધતા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર નિશાન સાધ્યું છે.

જનસભાને સંબોધતા કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "પીએમ મોદી અને શાહે યુવાનો, મહિલાઓ અને દલિતોના મત છીનવી લેવાનો પ્રયાસ કર્યો છે, તેના વિરોધમાં અમે અહીં એકત્ર થયા છીએ."

આગળ તેમણે કહ્યું, "પીએમ મોદી પોતાના જે ચેલાને બેસાડીને આજે સૌના મત તોડવાનું કામ કરી રહ્યા છે, તે જ્ઞાનેશકુમારને હટાવવા માટે આજે અમે અહીં પહોંચ્યા છીએ. જ્યાં સુધી તેઓ હટશે નહીં, ત્યાં સુધી અમે અટકવાના નથી."

પોતાના સંબોધનમાં ખડગે કહે છે કે, "જો જ્ઞાનેશકુમાર જમીનની અંદર પણ ગયા હશે તો તેમને ઉઠાવીને બહાર લાવીશું. પીએમ મોદીજી, તમે CBI-ED લગાવીને લોકોને ડરાવો છો. એજન્સીઓનો ઉપયોગ કરીને જે ડરાવવાનું કામ તમે કરી રહ્યા છો, તેનાથી અમે ડરવાના નથી."

પીએમ મોદી પર આરોપ લગાવતા ખડગેએ કહ્યું, "વડા પ્રધાન લોકોને વહેંચવાનું કામ કરી રહ્યા છે. તેઓ મત પસંદ કરવાનું કામ કરી રહ્યા છે. તેઓ જનતાએ ચૂંટેલા વડા પ્રધાન નથી."

ભાજપ સરકારને ચોરીની સરકાર ગણાવતા તેમણે કહ્યું કે, "ભલે બિહાર હોય કે યુપી, આ બધી સરકારો ચોરીથી બનેલી સરકારો છે. મોદીને હટાવીશું ત્યારે જ લોકશાહી બચશે. હું તમને અપીલ કરું છું કે આપણે એક થઈને લડીશું અને બંધારણને બચાવીશું."

SIRમાં કાપી નાખવામાં આવેલાં નામોનાં બૅનરો લઈને કાર્યકરો રેલીમાં સામેલ થયા

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાઈ રહેલી વિપક્ષી ગઠબંધનની રેલીમાં સવારે જ કાર્યકરોનું પહોંચવું શરૂ થઈ ગયું છે.

બપોરે અલગ-અલગ દૃશ્યો જોવાં મળ્યાં. કેટલાક કાર્યકરો SIR પ્રક્રિયામાં કાપી નાખવામાં આવેલાં નામોને બૅનરમાં છપાવીને પ્રદર્શનસ્થળે પહોંચી રહ્યા છે.

કર્ણાટક કૉંગ્રેસના પૂર્વ સોશિયલ મીડિયા પ્રમુખ શ્રીવત્સે 'X' પર લખ્યું, "માત્ર એક રાજ્યમાં લાખો લોકોનાં નામ કાપી નાખવામાં આવ્યાં છે. કાર્યકરો તેમનાં નામોને બૅનરમાં છપાવીને રામલીલા મેદાન પહોંચી રહ્યા છે."

દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાનારી ઇન્ડિયા ગઠબંધનની રેલી માટે દસ લાખ લોકો રાજધાનીમાં પહોંચશે એવો દાવો કરવામાં આવ્યો છે.

શીખ વિરોધી તોફાનો અંગે પોસ્ટર્સ લઈને કૉંગ્રેસ સામે દિલ્હીમાં ભાજપનું વિરોધપ્રદર્શન

1984ના શીખ વિરોધી તોફાનોને લઈને કૉંગ્રેસ વિરુદ્ધ ભાજપે રવિવારે પશ્ચિમ દિલ્હીમાં માર્ચનું આયોજન કર્યું છે.

આ માર્ચ હરિનગર ખાતે DTC બસ ડિપોથી શરૂ થઈને તિલક નગર મેટ્રો સ્ટેશન સુધી કાઢવામાં આવી રહ્યો છે.

આ માર્ચમાં શીખ સમુદાયના લોકો સાથે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ સામેલ છે.

બીબીસી સંવાદદાતા શુભ રાણાએ જણાવ્યું કે, માર્ચનું નેતૃત્વ કેન્દ્રીય મંત્રી સરદાર હરદીપસિંહ પુરી કરી રહ્યા છે. તેમની સાથે દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા, દિલ્હી ભાજપ અધ્યક્ષ, કેન્દ્રીય રાજ્ય મંત્રી હર્ષ મલ્હોત્રા અને દિલ્હી સરકારના મંત્રી સરદાર મનજિંદર સિંહ સિરસા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર છે.

માર્ચમાં 1984ના શીખ વિરોધી તોફાનોમાં પોતાનાં સ્વજનોને ગુમાવનાર અનેક પરિવારો પણ સામેલ થયા છે.

દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તા સહિત માર્ચમાં સામેલ લોકોએ કાળી પટ્ટી બાંધીને માર્ચ કર્યો.

સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીત દરમિયાન રેખા ગુપ્તાએ કહ્યું, "લોકશાહીની વાતો કરનાર (કૉંગ્રેસ)ને આજે શીખ સમાજ પૂછે છે કે 1984માં જે થયું હતું, શું તે લોકશાહીની હત્યા નહોતી?"

તેમણે કહ્યું, "આજે દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ તેઓ કરી રહ્યા છે. આ માર્ચમાં સામેલ થયેલા હજારો શીખ ભાઈ-બહેનો કૉંગ્રેસ પાસેથી જવાબ માંગે છે કે તેમને ન્યાય ક્યારે મળશે?"

ઇન્ડિયા ગઠબંધનની રેલી પર ભાજપે પૂછ્યું - '10 લાખ લોકો ક્યાં હતા?'

દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિયા ગઠબંધનની રેલી બાદ ભાજપે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને વિપક્ષ પર નિશાન સાધ્યું છે.

ભાજપ સાંસદ સંબિત પાત્રાએ રેલીમાં દસ લાખ લોકો એકત્ર થયા હોવાના દાવા પર સવાલ ઉઠાવ્યા.

સંબિત પાત્રાએ વિપક્ષને સવાલ પૂછતાં કહ્યું, "દસ લાખ લોકો ક્યાં હતા? અમને બતાવો. આ પ્રકારની રણનીતિઓથી કોઈ નેતા કે વડા પ્રધાન બનતો નથી. એટલી બધી પાર્ટીઓ અને ઝંડાઓને એકસાથે લાવ્યા છતાં તેઓ દસ લાખ લોકો પણ એકત્ર કરી શક્યા નથી."

ભાજપ સાંસદ સંબિત પાત્રાએ 'PM' શબ્દનો અર્થ સમજાવતા કહ્યું, "PMનો અર્થ માત્ર પ્રાઇમ મિનિસ્ટર જ નથી હોતો. તેમાં 'P'નો અર્થ પરસેવો અને 'M'નો અર્થ મહેનત થાય છે. કોઈપણ વડા પ્રધાન પરસેવા અને કઠોર મહેનતથી જ બને છે."

ભાજપ સાંસદ સંબિત પાત્રાએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'શિવજીની બારાત' સંબંધિત નિવેદન પર કહ્યું કે તેઓ દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રાહુલ ગાંધી પર નિશાન સાધતાં તેમણે આગળ કહ્યું, "રાહુલજી, ન તો તમે શિવ છો અને ન જ જે અરાજકતામાં તમે ભારતને ડૂબાડવા માંગો છો, તે શિવજીની બારાત છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન