બંગાળની ખાડીમાં 'મુરાસુ' વાવાઝોડું સર્જાયું, તે ક્યાં અને ક્યારે ટકરાશે?

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ચેન્નાઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલું ઊંડું દબાણ હવે ચક્રવાતમાં પરિવર્તિત થઈ ગયું છે. આ ચક્રવાતને 'મુરાસુ' નામ આપવામાં આવ્યું છે.

આ ચક્રવાત દક્ષિણ-પશ્ચિમ અને પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી વિસ્તારમાં સ્થિત છે.

આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો તથા તેની આસપાસના તમિલનાડુના વિસ્તારો માટે ચક્રવાતની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હવામાન અહેવાલમાં જણાવાયું છે કે ઊંડું દબાણ છ કલાકમાં 23 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ આગળ વધ્યું અને આજે સવારે 11:30 વાગ્યા સુધીમાં તે ગંભીર ચક્રવાતી તોફાનમાં તીવ્ર બન્યું.

આ તોફાન ચેન્નાઈના પૂર્વ-દક્ષિણપૂર્વ કિનારાથી 560 કિલોમીટર દૂર અને આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટણમથી 660 કિલોમીટર દૂર કેન્દ્રિત છે.

મુરાસુ વાવાઝોડું ક્યાં અને ક્યારે ટકરાશે?

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને 2 નવેમ્બરની સવારે સુધીમાં મધ્ય-પશ્ચિમ બંગાળની ખાડી ઉપર વધુ તીવ્ર બનીને ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ત્યારબાદ તે ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે અને તારીખ બીજી નવેમ્બર 2026ની રાત્રે 11:30 વાગ્યાથી ત્રીજી નવેમ્બર 2026ની સવારે 4:00 વાગ્યા વચ્ચે નેલ્લોર અને નરસાપુર વચ્ચે દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે લૅન્ડફૉલ કરશે.

હવામાન અહેવાલ મુજબ, તે 100 થી 110 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ ધરાવતું ગંભીર ચક્રવાતી તોફાન રહેશે, જેમાં ક્યારેક પવનની ગતિ 120 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

તમિલનાડુના વિવિધ જિલ્લાઓ માટે આગામી કેટલાક દિવસો માટે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

હવામાન અહેવાલ અનુસાર, આજે (1 નવેમ્બર) તિરુવલ્લુર જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તેવી જ રીતે, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાણીપેટ અને નીલગિરિ જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

આવતી કાલે (2 નવેમ્બર) ચેન્નાઈ અને તિરુવલ્લુર જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાણીપેટ, વેલ્લોર અને નીલગિરિ જિલ્લાઓમાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

ત્રીજી નવેમ્બરે નીલગિરિ જિલ્લામાં એક કે બે સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે પહેલી અને બીજી નવેમ્બરે તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં પવનની ગતિ વધુ રહેવાની સંભાવના છે.

તિરુવલ્લુર, ચેન્નાઈ, ચેંગલપટ્ટુ, કાંચીપુરમ, રાણીપેટ, વેલ્લોર, તિરુવન્નામલૈ, વિલુપ્પુરમ જિલ્લાઓ તથા પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં 55 થી 65 કિમી પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાઈ શકે છે, જેમાં ક્યારેક પવનની ઝડપ 75 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન.