તમે આ વેબસાઇટનું ટેક્સ્ટ-ઓન્લી વર્ઝન જોઈ રહ્યા છો જે ઓછો ડેટા વાપરે છે. તમામ ફોટા અને વીડિયો સાથેનું વેબસાઇટનું મુખ્ય વર્ઝન જુઓ.
'11 ચોગ્ગા અને પાંચ છગ્ગા' ન્યૂઝીલૅન્ડના ખેલાડીની તોફાની બેટિંગ સામે ભારત કેવી રીતે હારી ગયું
ન્યૂઝીલૅન્ડના પ્રવાસ પર પહોંચેલી ભારતીય ટીમ પાંચ ટી20 મૅચોની સિરીઝમાં અંતિમ મૅચ બચાવવામાં રવિવારે નિષ્ફળ રહી હતી.
પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી ભારતીય ટીમ બૅટ્સમૅનોના પ્રમાણસર સારા પ્રદર્શન છતાં 192 રનનો સન્માનજનક ગણાતો સ્કોર પણ ડિફેન્ડ કરવામાં ઊણી ઊતરી હતી.
ન્યૂઝીલૅન્ડના સેડન પાર્ક ખાતે યોજાયેલી આ ટી20 મૅચમાં ન્યૂઝીલૅન્ડની ટીમે આ ટાર્ગેટ 12 બૉલ બાકી રાખીને અને માત્ર ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.
નોંધનીય છે કે આ અગાઉ શુક્રવારે પણ હાઇ સ્કોરિંગ મૅચમાં ભારતીય ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો, જોકે, ઉપરાઉપરી બે હાર વેઠ્યા છતાં ભારતીય ટીમ પાસે આ સિરીઝમાં અગાઉથી જ અજેય સરસાઈ હતી, ભારતીય ટીમે 3-2થી આ સિરીઝ પોતાના નામે કરી લીધી હતી.
ભારતીય ટીમનું પ્રદર્શન
ભારતીય ટીમ તરફથી બૅટ્સમૅનોમાં ફરી એક વાર ઓપનર્સ ઝાઝી કમાલ નહોતી કરી શક્યા, જોકે, મિડલ ઑર્ડરે આ વખત પોતાનો દમ બતાવ્યો હતો.
ઇશાન કિશન અને કપ્તાન શ્રેયસ અય્યરે આ મૅચમાં અર્ધ સદી નોંધાવીને ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવામાં ભાગ ભજવ્યો હતો.
ઇશાન કિશન 32 બૉલમાં 61 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા, જ્યારે કપ્તાન શ્રેયસ અય્યર 23 બૉલમાં 50 રન ફટકારીને આઉટ થયા હતા.
ઇશાન કિશને પોતાની ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે શ્રેયસ અય્યરે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. બંને બૅટ્સમૅનોએ પોતાનાં પ્રદર્શનોથી ટીમના સ્કોર બોર્ડને સારી ગતિ પૂરી પાડી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ઉપરાંત ભારતીય ટીમ તરફથી નમન ધીર અને નીતીશકુમાર રેડ્ડીએ અનુક્રમે 33 અને 22 રન કર્યા હતા. જોકે, બાકીના તમામ બૅટ્સમૅનો ઝાઝી કમાલ કરી શક્યા નહોતા.
ભારતીય ટીમ આઠ વિકેટ ગુમાવીને 191 રન બનાવી શકી હતી.
ન્યૂઝીલૅન્ડના બૉલિંગ પ્રદર્શનની વાત કરીએ તો એડમ મિલ્નને સૌથી વધુ ચાર વિકેટ મળી હતી અને નેથન સ્મિથ તેમજ બ્લેર ટિકનર બંનેને બબ્બે વિકેટ મળી હતી.
ન્યૂઝીલૅન્ડ બૅટ્સમૅનોની ગજબ ફટકાબાજી
પ્રમાણસર સારો એવો સ્કોર ખડકી દીધા છતાં ભારતીય બૉલરો શરૂઆતથી જ ન્યૂઝીલૅન્ડની ટીમના બૅટ્સમૅનો પર જોઈએ તેવું દબાણ સર્જી શક્યા નહોતા.
બીજી જ ઓવરમાં ઓપનર ફિન એલનની વિકેટ ઝડપીને અર્શદીપસિંહે ભારતીય બૉલિંગની ધાર બતાવવાની થોડી આશા જરૂર જન્માવી હતી, પરંતુ તેઓ અને બૉલિંગ સ્ક્વૉડના અન્ય સભ્યો વધુ કમાલ ન કરી શક્યા.
પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ન્યૂઝીલૅન્ડના બૅટ્સમૅનો માટે આમ જોઈએ તો છઠ્ઠી ઓવરમાં રનોની ગતિ એવી વધી કે ભારતીય ટીમની હારનો જાણે પાયો નખાઈ ગયો.
ભારતીય ટીમના સ્ટાર બૉલર ભુવનેશ્વરકુમારની ઓવરમાં જવલ્લે જ જોવા મળતી ફટકાબાજી આ ઓવરમાં જોવા મળી હતી. આ ઓવરમાં ન્યૂઝીલૅન્ડના ઓપનર ટીમ સ્ટાઇફર્ટે બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને 20 રન લઈ લીધા હતા. એ બાદથી જાણે, ભારતીય ટીમના બૉલરો પર દબાણ સરકી ગયું હતું.
છઠ્ઠી ઓવર ન્યૂઝીલૅન્ડની ઇનિંગમાં ભારતીય ટીમ માટે સૌથી મોંઘી ઓવર સાબિત થઈ હતી.
ન્યૂઝીલૅન્ડના ઓપનર ટીમ સ્ટાઇફર્ટે એવી તો જબરદસ્ત બેટિંગ કરી કે 11 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકારીને માત્ર 50 બૉલમાં 93 રન બનાવીને ટીમની જીત લગભગ સુનિશ્ચિત કરી લીધી.
જોકે, તેઓ 93ના વ્યક્તિગત સ્કોરે નીતિશકુમાર રેડ્ડીના બૉલ પર આઉટ થઈને પરત ફર્યા હતા.
ગ્લેન ફિલિપ્સ પણ ન્યૂઝીલૅન્ડની જીતમાં સારો એવો ભાગ ભજવ્યો અને માત્ર 38 બૉલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 65 રન બનાવી લીધા. તેઓ આખી ઇનિંગ દરમિયાન નોટ આઉટ રહ્યા હતા.
આ બંને બૅટ્સમૅનોની જબરદસ્ત ફટકાબાજીના બળે ન્યૂઝીલૅન્ડી ટીમે 12 બૉલ બાકી રાખીને સાત વિકેટથી આ મૅચ જીતી લીધી હતી.
ન્યૂઝીલૅન્ડ તરફથી આ મૅચમાં ચાર વિકેટ ઝડપનાર એડમ મિલ્નને પ્લેયર ઑફ ધ મૅચ પસંદ કરવામાં આવ્યા હતા, જ્યારે ન્યૂઝીલૅન્ડના ગ્લેન ફિલિપ્સને પ્લેયર ઑફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન